અમદાવાદઃ એસટી કર્મચારીઓની હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. સવારે 4 કલાકથી એસટી બસો દોડતી થઈ જશે અને લોકોને જે પારાવાર મુશ્કેલી પડી રહી હતી તે દૂર થઈ જશે. ગીતામંદિર એસટી બસ સ્ટેશન પર રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓ, ડ્રાઈવર અને કન્ડક્ટર્સ દ્વારા જિંદાબાદના નારા લગાવાયા હતા. સરકાર દ્વારા સાતમું પગારપંચ લાગુ કરવાનો સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે અને સરકારે એક સપ્તાહમાં આગળની કાર્યવાહી કરવાની લેખિતમાં બાંહેધારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર અને એસટી નિગમ કર્મચારીઓની સંકલન સમિતિ વચ્ચે પ્રથમ બેઠક નિષ્ફળ થયા બાદ સરકાર દ્વારા મોડી સાંજે તેમને ફરી વખત ચર્ચા માટે બોલાવાયા હતા. બીજી વખતની બેઠક પણ એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં સરકાર અને એસટી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. 


શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, જેવી રીતે બપોરે શિક્ષક સંઘના હોદ્દેદારોએ મારી સાથે વાટાઘાટો કર્યા બાદ સરકાર પર વિશ્વાસ રાખીને પોતાની હડતાળ પાછી ખેંચી હતી. તેવી જ રીતે એસટી કર્મચારી નિગમના કર્મચારીઓની સંકલન સમિતિએ પણ વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાથેની બેઠકમાં ચર્ચા કર્યા બાદ વિવિધ માગણીઓનો સ્વીકાર કરવાની ખાતરી આપવામાં આવી છે અને તેમની પડતર માગણીઓનો ટૂંક સમયમાં જ નિકાલ લાવવામાં આવશે. 


જોકે, કર્મચારીઓ સુધી સરકારનો લેખિત પુરાવો પહોંચાડવામાં ન આવતાં ડ્રાઈવર-કન્ડક્ટર અસમંજસમાં છે. સંકલન સમિતિના અધિકારીઓએ મીડિયાને પણ સરકારે આપેલી લેખિત બાંહેધરી બતાવવાનો ઈનકાર કર્યો હતો. સરકારએ એસટી નિગમના કર્મચારીઓને 7 દિવસમાં પડતર માગણીઓ ઉકેલવાની ખાતરી આપી છે.


આ અગાઉ અમદાવાદમાં એસટી મધ્યસ્થ કચેરી ખાતે એસટી નિગમના કર્મચારીઓની સંકલન સમિતિ અને એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા વચ્ચે બંધ બારણે એક બેઠકનું આયોજન કરાયું હતું. એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા સાતેની આ બેઠક બે કલાક કરતાં પણ વધુ સમય સુધી ચાલી હતી. જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. 


આ ચર્ચા થયા બાદ એસટી નિગમના નિયમક સોનલ મિશ્રા નિગમના કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગાંધીનગર રવાના થયા હતા. ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાથે બેઠક બાદ સરકાર દ્વારા સંકલન સમિતિને વાટાઘાટો માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.