પરીક્ષા પૂરી થવાની 30 મિનિટ પહેલા ધોરણ-10 નું હિન્દીનું પેપર વાયરલ થયું
standard 10 peper viral on social media : પેપર ફેસબુક પેજ પરથી વાયરલ થયુ છે. જેમાં લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યાં ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું પેપર વાયરલ થયુ છે. ધોરણ 10 નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. પેપર પૂરુ થવાના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયા પેપર ફરતું થયું છે. રસપ્રદ બાબત એ છે કે, આ પેપર હાથથી સોલ્વ કરાયેલુ છે. પેપર ફેસબુક પેજ પરથી વાયરલ થયુ છે. જેમાં લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે. આમ, પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર વહેતુ થયું છે. ત્યારે શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી છે.
વાયરલ અને પરીક્ષામાં પૂછાયેલુ પેપર એકસરખુ
પરીક્ષાના સમય દરમિયાન જ સોશિયલ મીડિયામાં વાયરલ થયુ હતું. પેપરનો સમય પૂર્ણ થાય તે પહેલાં પેપર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનીટ પહેલા પેપર સોશિયલ મીડિયામાં વહેતુ થયું હતું. સોલ્વ કરેલુ પેપર અને આજે પુછાયેવુ પેપર એક સરખુ છે.
તપાસના આદેશ આપ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 મા હિન્દીના પેપરના જવાબો ફરતા થયાની ઘટના બાદ શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગંભીરતાથી લેવાઈ છે. દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને તપાસના આદેશ અપાયા છે.
કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા
ત્યારે પેપર વાયરલ મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યુ કે, રાજ્યના શિક્ષણ મંત્રીના દાવાઓને પડકારતી ઘટના બની છે. હવે હંમેશાની જેમ સરકાર અને બોર્ડની તપાસ કરવાની જૂની કેસેટ વાગશે. ભ્રષ્ટાચારના ફાયબર ઓપ્ટિકના કારણે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી આની સીધી જવાબદારી સ્વીકારે. રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે પણ આ મામલે જવાબ આપે.