બુધવારે ગૃહમાં નીતિન પટેલ રજૂ કરશે બજેટ, કૃષિ, શિક્ષણ અને રોજગાર કરી શકે છે મોટી જાહેરાત
વિધાનસભાની કાર્યવાહી બપોરે 12 કલાકે શરૂ થશે. ત્યારબાદ નાણાપ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરશે.
ગાંધીનગરઃ 26 ફેબ્રુઆરી (બુધવાર)એ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સત્રના પ્રથમ દિવસે નાણાપ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરવાના છે. નીતિન પટેલ આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરશે. બજેટ પૂર્વે લોકોને અનેક અપેક્ષા રાજ્ય સરકાર પાસે છે. તો વર્ષ 2020-21ના બજેટમાં આ વર્ષે યોજાનારી મહાનગર પાલિકાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે. બજેટમાં કોઈ નવા વેરા વધારાની જાહેરાત ન થાય તેવી પણ આશા રાખવામાં આવી રહી છે.
બજેટ પહેલા કોંગ્રેસે ઘડી રણનીતિ
તો આ બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસે પણ સરકારને ઘેરવાની રણનીતિ ઘડી છે. કોંગ્રેસ દ્વારા ગૃહમાં અનેક મુદ્દા ઉઠાવવામાં આવશે. જેમાં હાલમાં જ એલઆરડી પરીક્ષાને લઈને થયેલ વિરોધ પ્રદર્શન, માલધારી સમાજનું આંદોલન જેવા અનેક મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. તો કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની જનતાને સરકાર પાસે ખુબ અપેક્ષા છે. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે, ભાજપ સરકારમાં ખેડૂતો પાયમાલ બન્યા છે. મોંઘવારી વધી છે. અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષણ સસ્તું બને, વેપાર ઉદ્યોગમાં પ્રગતિ લાવનાર બજેટ હોય તેવી આશા રાખવામાં આવી રહી છે.
આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, 31 માર્ચ સુધી ચાલશે ગૃહની કાર્યવાહી
બજેટ પહેલા શું બોલ્યા નાણાપ્રધાન
વિધાનસભામાં બજેટ રજૂ કરવા પૂર્વે નાણાપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, અમે છેલ્લા 25 વર્ષથી બજેટ રજૂ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, લોકોને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવ્યું છે. શિક્ષણ, આરોગ્ય સહિતની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવ્યું છે. આ સાથે બજેટમાં ખેડૂતો સહિત તમામ વર્ગનું ધ્યાન રાખીને બજેટ બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, હું આવતીકાલે મુખ્યપ્રધાનની સૂચના સાથે બજેટ રજૂ કરીશ. તેમણે કહ્યું કે, લોકોને ખુશ કરવા નહીં પરંતુ સંતોષ મળે તે માટે બજેટ રજૂ કરીશ.
સવારે 10 કલાકે મળશે કેબિનેટની બેઠક
આવતીકાલે વિધાનસભામાં બજેટ રજૂ થતાં પહેલા રાજ્યના કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં ખંભાતની ઘટના અંગે રાજ્ય સરકારે લીધેલા પગલાંની ચર્ચા થઈ શકે છે. આ સાથે વિધાનસભા સત્રમાં આવનાર સરકારી બિલ અંગે ચર્ચા થઈ શકે છે. તો સત્ર દરમિયાન મહત્વના જે નિર્ણયો જાહેર કરવાના છે તે અંગે પણ ચર્ચા થઈ શકે છે.
ભાજપના ધારાસભ્યોની યોજાઇ બેઠક
વિધાનસભામાં બજેટ સત્ર પૂર્વે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. બેઠકમાં બજેટ સત્ર અંગે ભાજપના ધારાસભ્યોને માહિતી આપવામાં આવી હતી. આ સાથે ભાજપે તમામ ધારાસભ્યો માટે થ્રી લાઇન વ્હીપ પણ જારી કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...
જુઓ LIVE TV