રાજેન્દ્ર ઠક્કર/ભુજ: સરહદી કચ્છ જિલ્લો ગુજરાત ટુરિઝમનું હબ બન્યો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિથી ધોરડોનું શ્વેત રણ માત્ર દેશ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. અને દેશ-વિદેશમાંથી પ્રતિવર્ષ લાખો પ્રવાસીઓ ધોરડોના સફેદ રણની મુલાકાત માટે કચ્છ અને ગુજરાતમાં આવતા થયા છે. ત્યારે આજે ધોરડો ખાતે બે દિવસીય ટુરિઝમ ડેસ્ટીનેશન મેનેજમેન્ટની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી પ્રહલાદભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય કોન્ફરન્સ ખુલ્લી મુકાઈ હતી. આ બે દિવસીય ટુરિઝમ સમિટમાં દેશના 17 રાજ્યના પર્યટન સચિવો સહિતના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઢળતી સાંજે આ કોન્ફરન્સને ખુલ્લી મુક્યા બાદ મહાનુભાવોએ ધોરડોના સફેદ રણમાં સનસેટ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી પ્રહલાદભાઈ પટેલે ધોરડોના શ્વેત રણને પુરૂષાર્થ સાથે બનાવવામાં આવેલું સ્થળ ગણાવ્યુ હતું. તેમણે સફેદ રણ થકી કચ્છના થયેલા વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્થળનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ અને નીયતિ તેમજ સરકારના પ્રતિનિધિઓ અને પ્રવાસન વિભાગના અધિકારીઓના પુરૂષાર્થ થકી શક્ય બન્યો છે. સત્તા તો આવશે અને જશે, પરંતુ આ સ્થળને કોઈ બદલી નહીં શકે. રણોત્સવ થકી આ ભૂમિની તકદીર બદલાઈ ગઈ છે. માત્ર ગુજરાત જ નહીં, દેશના છેવાડે આવેલા આ સ્થળની સાંસ્કૃતિક વિરાસત અને સભ્યતાથી આખું વિશ્વ પરિચિત બન્યું છે. દેશ અને દુનિયામાંથી આવતા પ્રવાસીઓને કારણે સ્થાનિકોને રોજગારી મળતી થઈ છે. એટલું જ નહીં, અહીંની કલા સંસ્કૃતિ તેમજ કલાકારોની માંગ વિદેશમાં પણ વધી છે. આ બધું શક્ય બન્યું તેની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિ અને રાજ્ય સરકારનો પુરૂષાર્થ રહેલો છે તેવું પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે ધોળાવીરાનો વિકાસ કરવાની વાત કરી હતી. ધોળાવીરા એ આપણી સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતિક છે. દેશ અને દુનિયામાં આ સ્થળને ઉજાગર કરવા માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. અને આ સ્થળનો ઉત્કૃષ્ટ રીતે વિકાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.


ધોરડોના શ્વેત રણ અંગે વાત કરતા વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, હાલ આ સ્થળ જે છે તે સપાટ રણ હતું. કોઈ પણ વસાહત અહીં ઉપલબ્ધ ન હતી. માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા પરિવારો છુટા છવાયા વિસ્તારોમાં વસતા હતા. પરંતુ આજે કચ્છનું શ્વેત રણ દુનિયાના ફલક પર વિસ્તર્યું છે. તેનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. અને જે રીતે આ સ્થળનો વિકાસ થયો, તે ટુરિઝમ વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવી રીતે રાજ્ય અને દેશના અનેક સ્થળોનો વિકાસ કરી શકાય છે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. કચ્છમાં દરિયો, રણ અને પુરાતત્વીય સંસ્કૃતિના સ્થળો છે. આ તમામ સ્થળોનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ હોવાનું તેમણે જણાવ્યુ હતું. આ ઉપરાંત રાજ્યના દ્વારકા, સોમનાથ, માધવપુર ગેડ સહિતના સ્થળો અંગેની વાત તેમણે પોતાના સંબોધનમાં કરી હતી.


જેમાં માધવપુરગેડ ખાતે ભવ્ય રૂક્ષમણી વિવાહનો ઉત્સવ ઉજવવામાં આવશે. રૂક્ષમણી આમ અરૂણાચલ પ્રદેશના હતા. અને ભગવાન શ્રી કૃષ્ણ અપહરણ કરી અને માધવપુરગેડમાં આવેલા એક મંદિરમાં તેમની સાથે લગ્ન કર્યા હતા. ત્યારે આ રીતે નોર્થ અને વેસ્ટ સંસ્કૃતિના સમન્વયે સાથે દેશને જોડવાની દિશામાં આ ઉત્સવ મનાવવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ભારત, શ્રેષ્ઠ ભારતના સુત્ર સાથે દેશને જોડવાની વાત કરી રહ્યા છે, તે જ થીમ પર આવા કાર્યક્રમો યોજીને પ્રવાસન વિકાસની દિશામાં રાજ્ય સરકાર કટીબદ્ધ હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું. તો કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત પણ તેમણે પોતાના સંબોધનમાં આવરી લીધી હતી. જેમાં આ સ્થળના વિકાસ માટે હજું પણ અનેક આયામો ઉમેરવામાં આવશે. પ્રવાસનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 34માં સ્થાને છે, ત્યારે હજુ પણ આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય હંમેશા તત્પર રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું.


પ્રવાસન વિકાસની આ બે દિવસીય સમિટના પ્રારંભે ગુજરાત સરકાર અને આઈટીડીસી વચ્ચે એમઓયુ કરાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈનેવેટિવ એન્ડ ડેકોરેટીવ લાઈટીંગ એન્ડ સાઉન્ડ શો માટેની કન્સલટન્સી સર્વિસ સાથે એમઓયુ કર્યા હતા. આ કન્સલટન્સી સર્વિસ સાથે રાજ્યના પ્રવાસન સ્થળોના વિકાસ માટેના કરાર થયા હતા. નેશનલ કોન્ફરન્સના ઉદઘાટન બાદ તમામ મહાનુભાવોએ કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો નજારો માણ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube