ગાંધીનગરઃ રાજ્ય સરકારે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ અન્ય તાલુકાના ખેડૂતોએ પણ સરકાર પાસે  મદદ માગી હતી. ત્યારે રાજ્ય સરકારે 51 તાલુકા ઉપરાંત અન્ય બીજા 45 તાલુકા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી  છે. રાજ્ય સરકાર વધુ 45 તાલુકાને આર્થિક મદદ કરશે. 400 મીલીમિટરથી ઓછા વરસાદવાળા વધુ 45 તાલુકાને  મદદ કરાશે. 250થી 300 મીમી વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતેને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય કરાશે. જ્યારે  350થી 400 મીમી વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય કરવામા આવશે. નવા ખાસ  પેકેજ અંતર્ગત વધુમાં વધુ બે હેક્ટર સુધી લાભ મળશે. બે હેક્ટરથી વધુ જમીન ધારકોને લાભ મળશે નહીં. સરકારે  આ 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે. તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય કરવામા આવશે. 


આ વિશેષ પેકેજ આજથી જ લાગુ પડશે. ખેડૂતો આજથી જ નોંધણી કરાવી શકશે. જેમા એક વખત જ લાભ મળી  શકશે જ્યારે અછતગ્રસ્ત 51 તાલુકાઓને 1લી ડિસેમ્બરથી જુન માસ સુધી લાભ મળશે. આમ રાજ્યમાં કુલ મધ્યમ  અને ઓછા વરસાદવાળા 96 તાલુકાને સહાય કરાશે. આર્થિક મદદ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે.  મુખ્યપ્રધાને તમામ કામને મંજૂરી આપી દીધી છે. વધુ 45 તાલુકામાં ધોરાજી, બેચરાજી, ઉપલેટા, ધારી, ચુડા,  વઢવાણ, લાઠી, મહેસાણા, કડી, પાદરા,જસદણ, સાણંદ, વડનગર, દાંતીવાડા, ગાંધીનગર, અમીરગઢ, ટંકારા, સિદ્ધપુર,  બાબરા, ધોરાજી, લાલપુર, ઉમરાળા, ગોંડલ, આમોદ, કલોલ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. આ વિશેષ  પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે.