બ્રિજેશ દોશી/અમદાવાદઃ રાજ્યની આંતરરાજય તથા આંતર જિલ્લાના (interstate and district police checkposts) મુખ્ય માર્ગો પર સ્થિત કાયમી પોલીસ ચેક પોસ્ટ બંધ કરવા મુદ્દે રાજ્યના પોલીસવડાએ કરેલા આદેશ બાદ વિવાદ ઉભો થયો હતો. રાજ્ય પોલીસવડાના આદેશથી સલામતી અને દારૂબંધી મુદ્દે વિવાદના અણસાર હતા ત્યારે સરકારે આ બાબતે સ્પષ્ટતા કરી છે. સરકારનો દાવો છે કે રાજ્યના નાગરિકોને અવરજવરમાં પોલીસ દ્વારા આ ચેક પોસ્ટો પર વાહન ચેકીંગ દરમ્યાન પેપર્સ ચેક કરવાના કારણે સમયનો વ્યય તથા અસુવિધા ઉત્પન્ન ન થાય અને ભારે વાહન વ્યવહાર ધરાવતા મુખ્ય ધોરીમાર્ગો પર સઘન વાહન ચેકીંગના કારણે વાહન વ્યવહારને અવરોધ ઉત્પન્ન ન થાય તે હેતુસર કાયમી ધોરણે ઉભી કરાયેલ ચેક પોસ્ટને જ બંધ કરવા આદેશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને ચોકકસ માહિતી તથા કેન્દ્ર કે રાજ્યના ગુપ્તચર તંત્ર તરફથી મળતા ચોક્કસ ઇનપુટના આધારે શહેર તથા જિલ્લા પોલીસ દ્વારા આવશ્યકતા અનુસાર જરૂરીયાત મુજબના સ્થળોએ અસરકારક વાહન ચેકીંગ અથવા હંગામી ચેકપોસ્ટ ઉભી કરી વાહન ચેકીંગ કરવા પર કોઇ રોક નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે પોલીસની કોઈપણ કામગીરીમાં બાંધછોડ કરવામાં આવશે નહીં. 


સુરતમાં કાપડ પર લખાયેલા વિશ્વના પ્રથમ દસ્તાવેજને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન  


સામાન્ય રીતે દારૂની હેરફેર સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિને અંકુશમાં લેવા રાજય તથા સ્થાનિક કક્ષાની એજન્સીઓને આજથી 2 જાન્યુઆરી સુધી દારૂની હેરફેર તથા જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિ રોકવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવા સૂચના આપવામાં આવી છે. જેમાં રાજય સ્તરની તથા શહેર-જિલ્લા કક્ષાની તમામ ટીમો તપાસ કરશે. કાયમી ચેક પોસ્ટ પર કામગીરી કરવા માટે ફાળવવામાં આવેલ પોલીસ અધિકારી-કર્મચારીઓને નવા વર્ષની ઉજવણી દરમ્યાન દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટેની આ સ્પેશ્યલ ડ્રાઇવમાં ફરજ સોંપવામાં આવી છે. 


ચોક્કસ ઇનપુટ આધારે વાહન ચેકીંગની કામગીરી જરૂરીયાત મુજબના સ્થળે કામચલાઉ ધોરણે ચેક પોસ્ટ ઉભી કરી કામગીરી પૂર્ણ થયે આ ચેક પોસ્ટ દુર કરવાની રહેશે. આમ રાજ્યની સલામતી કે દારૂબંધી મુદ્દે ગૃહવિભાગ કે સરકાર કોઈ કચાશ રાખશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....