ગાંધીનગરઃ સોશિયલ મીડિયા પર મહિલાઓના મીટૂ કેમ્પેઇનમાં અનેક મોટા લોકો ઝપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ કામના સ્થળે મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા હતા. ત્યારે મહિલાઓ પર થતી જાતિય સતામણીની ઘટનાઓને રોકવા રાજ્ય સરકારે આંતરિક ફરિયાદ સમિતીની  રચના કરી છે. આ સમિતિ સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાં કાર્યરત રહેશે. રાજ્યના દરેક જિલ્લાના કલેકટરને સ્થાનિક કક્ષાએ ફરિયાદ સમિતીની રચના કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દરેક સમિતિમાં જે તે વિભાગની ઉચ્ચ મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવશે તથા કાયદા નિષ્ણાંત અધિકારીને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવશે. જાતીય સતામણીનો ભોગ બનેલ મહિલાઓ www.shebox.nic.in વેબસાઈટ પર ફરિયાદ કરી શકશે. ત્યારે સમિતિની રચના ન કરનાર સરકારી કે બિનસરકારી સંસ્થાને 50 હજારનો દંડ ફટકારવાની જોગવાઇ કરવામાં આવી છે.