ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. 15 નવેમ્બરથી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા 122 ખરીદ કેન્દ્રો પર મગફળી ખરીદવામાં આવશે. ભારત સરકારે વર્ષ 2018-2019 માટે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 4890 રૂપિયા નક્કી કર્યો છે. જેમાં રાજ્ય સરકાર 110 રૂપિયા બોનસ આપીને 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરશે. મગફળીના એક મણના ભાવમાં  23 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા 978 રૂપિયા ભાવ હતો, હવે એક મણના 1001 રૂપિયા આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેકાના ભાવે મગફળી વેંચવા ઈચ્છતા ખેડૂતો 11 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ સાથે મીડિયા સાથે વાત કરતા કૃષિપ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં અંદાજિત 14.68 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં કુલ 26.95 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાની ધારણા છે. 


ગયા વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડો થયા હતા. તેને લઈને રાજ્યભરમાં વિરોધ પણ થયો હતો. મગફળીમાં ઢેંફા ભેળાવવા, ગોડાઉનમાં આગ, અથવા તો બારદાનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેી તપાસ હજુ પણ ચાલી રહી છે. ત્યારે આ વખતે સરકાર સખત થઈ ગઈ છે. સરકારે મગફળી ખરીદી કેન્દ્રો પર સીસીટીવી લગાવવા અને ખરીદીનું વીડિયો રેકોર્ડિંગ કરશે. આ સાથે ખરીદ કેન્દ્ર પર સર્વેલન્સ માટે વર્ગ-1ના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ સ્ક્વોડની રચના કરવામાં આવશે. 


દરેક ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોની એક દિવસમાં વધુમાં વધુ 1750 કિલો મગફળી ખરીદવામાં આવશે. ખેડૂતો પાસેથી વધુમાં 2 હેક્ટરની મર્યાદામાં મગફળીની ખરીદી કરવામાં આવશે. આ વખતે પણ મગફળી ખરીદવાની જવાબદારી નાફેડને આપવામાં આવી છે.