ગાંધીનગર: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે રાજયકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું દીપ પ્રગટાવી ઉદઘાટન કર્યા બાદ ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ ઉત્સવો અને તહેવારોમાં નવરાત્રી નવ દિવસનો સૌથી મોટો તહેવાર છે. રાસ-ગરબા ગુજરાતની સંસ્કૃતિના પ્રતિક છે. વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ થકી રાસ-ગરબા વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત થયાં છે ત્યારે, રાજયના દરેક જિલ્લા અને મહાનગરોને રાસ-ગરબાની ૧૨૧ જેટલી શ્રેષ્ઠ કૃતિઓ ગાંધીનગરની પ્રજાને જોવાનો અવસર મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રી મહોત્સવની સાથે અનેક લોકોને ભાતીગળ વસ્ત્રો, શણગાર અને રિફ્રેશમેન્ટ દ્વારા એમ્પ્લોયમેન્ટ જનરેટ કરતો નવરાત્રી મહોત્સવ ઇકોનોમીનો પણ ભાગ બન્યો છે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે, અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓ પણ સ્થાનિક પ્રજાને આકર્ષીને નવરાત્રી મહોત્સવ ઉજવે છે, ત્યારે આ ઉત્સવનો દિનપ્રતિદિન વ્યાપ વધતો જાય છે. 


રમત-ગમત વિભાગના સચિવ વી.પી. પટેલે જણાવ્યું હતું કે, અર્વાચીન અને પ્રાચીન ગરબા સહિત વિવિધ કલાકારોની પ્રતિભા ઉજાગર કરવા રાજય સરકારે ખેલ મહાકુંભની સાથે છેલ્લા બે વર્ષથી કલા મહાકુંભ ઉજવણીની શરૂઆત કરી છે. કલા મહાકુંભ માટે રાજય સરકારે રૂ.૧૦ કરોડની ફાળવણી કરી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનર સતીષભાઇ પટેલે જણાવ્યું હતું કે, ૧૨૧ જેટલી વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ટીમને અનુક્રમે રૂ.૫૧ હજાર, રૂ.૪૧ હજાર અને રૂ.૩૧ હજારના રોકડ પુરસ્કાર આપી સન્માન કરાશે. ચાલુ વર્ષે કલા મહાકુંભમાં ૪.૯૮ લાખ કલાકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 


સિવિલ હોસ્પીટલના ઓડીટોરીયમ ખાતે રોજ બપોરે ૧૨-૦૦થી ૭-૦૦ દરમિયાન તા.૦૭/૧૦/૨૦૧૮ સુધી યોજાનાર રાજયકક્ષાની રાસ-ગરબા સ્પર્ધાની શ્રેષ્ઠ કૃતિઓ નિહાળવા તથા શ્રેષ્ઠ કલાકારોને પ્રોત્સાહિત કરવા ગાંધીનગરના શહેરીજનોને હાર્દિક નિમંત્રણ છે.