ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની ઋતુ બરાબર જામી નથી. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ પણ કેટલાક તાલુકા તો સાવ કોરા જ રહ્યા છે. મોડો વરસાદ થવાને કારણે ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં મોસમનો કુલ 71 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠાના 15 તાલુકા સાવ કોરા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છના ભુજ, ભચાઉ, અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપર, બનાસકાંઠાના ધાનેરા, કાંકરેજ, લાખણી, સુઇગામ, થરાદ અને વાવ, પાટણના ચાણસ્મામાં 5 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. ઝોનવાર વરસાદ જોઈએ તો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે, જ્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. 


ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા સિંચાઈ માટે 7 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. સાથે જે મોરબી- કચ્છના ડેમમાં પાણી આપવામાં આવ્યું છે. હજુ પણ હવામાન ખાતાએ આવનાર એક માસમાં સારા વરસાદની આશા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 15 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, પરંતુ શ્રાવણના સરવરિયા જ જોવા મળે છે. ક્યાંય ધોધમાર વરસાદ પડતો નથી.


રાજ્યમાં ઝોનવાર વરસાદના આંકડા 
ઉત્તર ગુજરાત - 42 ટકા
મધ્ય-પૂર્વ ગુજરાત - 65.22 ટકા 
સૌરાષ્ટ્ર - 69.54 ટકા 
દક્ષીણ ગુજરાત - 91.58 ટકા 
કચ્છ - 25 ટકા 


રાજયના ૨૦૩ જળાશયોમાં ૫૧.૨૯ ટકા જળસંગ્રહ થયો 
રાજયના કુલ ૨૦૩જળાશયોમાં હાલ ૨,૮૫,૪૬૩ એમ.સી.એફ.ટી જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૨૯ ટકા જેટલો થવા જાય છે. સરદાર સરોવર ડેમ માં ૧,૮૨,૮૨૮ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૫૪.૭૩ ટકા જેટલો થાય છે. 


ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૫૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૨.૧૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૦.૨૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૨.૭૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૫૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 


જળાશયોમાં પાણીની આવક 
સરદાર સરોવર ડેમમાં ૪૫૬૨૭ કયુસેક, વણાકબોરી ડેમમાં ૨૫૫૦ કયુસેક, દમણગંગા ડેમમાં ૬૮૫૧ કયુસેક, કડાણા ડેમમાં ૧૪૯૪૦ કયુસેક, કરજણ ડેમમાં ૩૮૦૪ કયુસેક, ધરોઇ ડેમમાં ૨૨૨૨ કયુસેક અને પાનમ ડેમમાં ૨૦૮૫ કયુસેક પાણીની આવક ચાલુ છે. 


જળાશયોમાં પાણીની જાવક
રાજ્યમાં અત્યાર સુધી માત્ર કરજણનો ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. જેના કારણે બે દિવસ પહેલાં જ તેનાં દરવાજા ખોલીને પાણી જવા દેવામાં આવ્યું હતું. આ સિવાય મોટાભાગના જળાશયો અડધાથી વધુ ખાલી છે. હાલ, વણાકબોરી ડેમમાંથી ૩૦૦ કયુસેક, દમણગંગા ડેમમાંથી ૫૦૮૪ કયુસેક અને કરજણ જળાશયમાંથી ૬૩૯૪ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.