નરેશ ભાલીયા, રાજકોટઃ રાજકોટ જિલ્લામાં રખડતા ઢોરનો આતંક વધતાં લોકોમાં ડર ફેલાયો છે. જામકંડોરણાના ઈન્દિરાનાગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ આવીને હુમલો કર્યો હતો જેમાં એક બાળકનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. આ બાળકને રખડતા શ્વાનોએ આખા શરીર પર બચકાં ભરી લીધા હતા. આ ત્રણેય બાળકો ખુલ્લા પ્લોટમાં કુદરતી હાજતે ગયા હતા આ દરમિયાન રખડતાં શ્વાનનું ટોળું આવી ગયું હતું. ત્યારે આ રખડતાં શ્વાનનું ખસીકરણ કરવાની માગ ઉઠી છે. એક તરફ તંત્ર શ્વાનના ખસીકરણની મસમોટી વાત કરે છે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ જ છે. પુત્રનું મોત થતાં પરિવારજનોમાં શોક ફેલાયો છે. પરિવારજનોએ રખડતા શ્વાનનો આતંક દૂર કરવાની માગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્વાનના હુમલામાં બાળકનું મોત
જામકંડોરણા ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં શ્રમજીવીઓની વસાહત આવેલ છે. આ વસાહતમાં શ્રમજીવીઓ ઝુંપડા બાંધીને પરીવાર સાથે રહે છે. જેમાં ગતરોજ રામજીભાઈ રાઠોડ નામના શ્રમજીવીના ત્રણ પુત્રો યુવરાજ, રાજ અને રવિ ત્યાં બાજુમાં જ આવેલ ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયેલા હતાં. ત્યારે આ ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય થતો હોવાથી અહીં 50 થી 60 જેટલા શ્વાનો પણ રહે છે. આ શ્વાનોમાંથી પાંચ થી છ જેટલા સ્વાનોના ટોળાએ આ ત્રણ ભાઈઓ પર હુમલો કર્યો. જેમાં યુવરાજ અને રાજ બંને ભાઈઓ ભાગવામાં સફળ થઈ ગયા જ્યારે રવિ કૂતરાંઓના ટોળાની ઝપટે ચડી જતા રવીને શ્વાનોએ ચારે બાજુથી બચકા ભરવા લાગ્યા અને લોહીલુહાણ કરી દીધો. સ્વાનના હુમલાથી ભાગેલ બે ભાઈઓ ઘરે પહોંચી ઘરે વાત કરતા પરિવારજનો રવીને બચાવવા સ્થળ પર પહોચતા શ્વાનો રવિને બચકા ભરી રહ્યાં હતા અને રવિ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. પરિવારજનોએ રવિને શ્વાનો પાસેથી ખેંચી લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


આ પણ વાંચોઃ ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30-40 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ જિલ્લાઓમાં આવશે આફત


શ્વાનના હુમલા અંગે મૃતક રવિના પિતાએ સહિત સ્થાનિકોએ આક્ષેપ કરેલ કે અમારા વિસ્તાર પાસે મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય ચાલુ હોય તેને કારણે અહીં 50 થી 60 જેટલા શ્વાનો રહે છે, અને શ્વાનોના ત્રાસ વિશે તેમજ મૃત પશુની ખાલનો વ્યવસાય અન્ય જગ્યાએ ખસેડવા અમે પ્રસાસનને રજુઆત કરેલ છે, પરંતુ પ્રશાસને કઈ ધ્યાન ન આપ્યું જેને કારણે મારે પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે. શ્વાન પકડવાની કે ખસીકરણ કરવાની કોઈ કામગીરી ન થતી હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા.


શ્વાનના હુમલાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા રખડતા શ્વાનને ખસીકરણ અથવા શ્વાન પકડવા જરૂરી છે. જેથી કરીને લોકોને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ મળે પરંતુ તંત્ર કોઈ કામગીરી ન કરતું હોવાથી લોકો શ્વાનનો ભોગ બની રહી રહ્યા છે. ત્યારે લોકોને શ્વાન ત્રાસ માંથી મુક્તિ ક્યારે મળશે તે સમય જ બતાવશે.