Gujarat News : ગુજરાતના મોટાભાગના શહેરોમાં એવી સ્થિતિ છે કે, વહેલી સવારે કે રાત્રે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કેમ કે, તમારી પર ગમે ત્યારે રખડતાં કૂતરા હુમલો કરી શકે છે. ગુજરાતમાં કૂતરાંઓની સંખ્યામાં વધારાની સાથે કૂતરા કરડવાના કેસમાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં દરરોજ સરેરાશ 397 લોકોને કૂતરા કરડે છે. મહત્વનું છે કૂતરાઓના ખસીકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ બાદ પણ કોઈ જ અસર જોવા મળતી નથી. કરોડોના ખર્ચ બાદ પણ કૂતરાઓની સંખ્યા વધી રહી છે. જેથી શહેરોમાં કૂતરાઓના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે હવે કૂતરાઓના આતંકથી સરકાર અમને બચાવો. ગુજરાતમાં 4 વર્ષમાં 12 કરો 49 લાખથી વધુ કૂતરાં કરડવાના બનાવ નોંધાયા છે. અમદાવાદમાં 1.17 લાખ કૂતરાના ખસીકરણ માટે 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતા અમદાવાદમાં કૂતરાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે ખસીકરણ માટે કરોડોના ખર્ચ બાદ પણ કેમ કૂતરાંઓની સંખ્યા વધે છે. ક્યારે શહેરોમાંથી  રખડતાં કૂતરાંઓનો આતંક અટકશે. ક્યાં સુધી ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર જ રહેશે. ક્યારે થશે યોગ્ય રીતે ખસીકરણની કામગીરી, જોઈએ ખાસ અહેવાલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરના સાત ઝોનના ૪૮ વોર્ડના વિવિધ વિસ્તારોમાંથી રોડ ઉપર રખડતા પશુઓને ત્રણ શિફ્ટમાં 21 ટીમની મદદથી પકડવામા આવી રહ્યા હોવાનો મ્યુનિસિપલ તંત્રનો દાવો છે. પરંતું રખડતા કૂતરા પકડવાની કામગીરી જે સંસ્થાઓને સોંપવામા આવી છે એ સંસ્થાઓની કામગીરી પણ નબળી જોવા મળી રહી છે. તંત્રને રખડતા કૂતરાની મળેલી ફરિયાદની સંખ્યા ઉપર નજર દોડાવવામા આવે તો એપ્રિલ મહિનામા ૪૬૦, મે મહિનામા ૪૪૦, જુન મહિનામા ૫૧૬ ફરિયાદો વિવિધ વિસ્તારમાંથી મળી હતી. જૂલાઈ મહિનામા ૫૩૩, ઓગસ્ટમા ૪૭૬ અને સપ્ટેમ્બરમા ૫૩૯ ફરિયાદ તંત્રને મળી હતી. ઓકટોબરમા ૩૯૫, નવેમ્બરમા ૪૯૨ તેમજ ડીસેમ્બર મહિનામા અત્યાર સુધીમા ૨૩૫ ફરિયાદ મળી છે. શહેરીજનોને રખડતા કૂતરાની મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.


શહેરમાં પાંચ વર્ષમા વિવિધ પ્રાણી કરડવાના કયા વર્ષમા કેટલા બનાવ


વર્ષ કૂતરા બિલાડી વાંદરા અન્ય
2018 60241 710 256 161
2019 65881 1237 379 259
2020 51244 663 229 182
2021 23362 305 081 077
2022 47169 751 205 206

દસ વર્ષમાં કેટલા કૂતરાનું ખસીકરણ કરાયું?
વર્ષ            ખસીકરણની સંખ્યા
૨૦૧૨         ૨૫,૪૭૨
૨૦૧૩         ૨૬,૩૫૮
૨૦૧૪         ૩૦,૫૭૩
૨૦૧૫         ૩૯,૩૩૩
૨૦૧૬         ૩૩,૨૬૫
૨૦૧૭         ૩૧,૩૮૧
૨૦૧૮         ૧૪,૦૫૮
૨૦૧૯         ૩૬૫૬૩
૨૦૨૦         ૨૧૫૦૨
૨૦૨૧         ૩૦૩૬૦
૨૦૨૨         ૩૧૮૩૦


સુરતમાં પણ ઠેર ઠેર રખડતા કૂતરા
સૂરત શહેરમાં રખડતા કુતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. દૈનિક 100 થી 125 કેસ ડોગ બાઈટના આવે છે. સુરતની સોસાયટીઓ કે એકલા રોડ પરથી પસાર થતા લોકો ડરે છે. જો કોઈ વાહન પરથી પસાર થાય તો તેમની પાછળ કૂતરાઓ દોડવા લાગે છે. આવામાં કેટલીકવાર લોકોના અકસ્માત પણ થાય છે. સુરત સિવિલમાં દૈનિક 100 થી 125 દર્દી આ કેસ લઈને આવે છે. જે બતાવે છે કે, કૂતરાઓના ખસીકરણની વાતો માત્ર કાગળ પર જ છે. 


વડોદરામાં કોર્પોરેશને કૂતરાઓના ખસીકરણ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ વડોદરા શહેરમાં કૂતરાઓની સંખ્યામાં વધારો થયો છે. કોર્પોરેશન દર વર્ષે કૂતરાઓના ખસીકરણ પાછળ 80 લાખથી 1 કરોડનો ખર્ચ કરે છે. 
છેલ્લા 8 વર્ષમાં કોર્પોરેશને કૂતરાઓના ખસીકરણ પાછળ 5 કરોડનો ખર્ચ કર્યો છે. શહેરમાં પાલિકાએ 64000 જેટલા કૂતરાઓનું ખસીકરણ કર્યુ હોવાનું આંકડો બતાવે છે. પરંતું તેમ છતાં આજે પણ શહેરમાં 50000 જેટલા કૂતરાઓ રખડી રહ્યા છે. શહેરમાં રોજ કોર્પોરેશનના ચોપડે 5 લોકોને કૂતરું કરડતું હોવાની માહિતી ચોપડે નોંધાય છે. આ વિશે વડોદરાવાસી કહે છે કે, રસ્તાઓ પર કૂતરાઓનો ખૂબ ત્રાસ છે, કોર્પોરેશનના ખસીકરણના દાવા ખોટા છે. રસ્તા પર વાહન ચલાવીએ ત્યારે કૂતરાના લીધે અકસ્માતનો ડર લાગે છે. વડોદરામાં રોજ લોકોના કૂતરાના કારણે ક્યાંકને ક્યાંક અકસ્માત થતા રહે છે.  


(ઈનપુટ : અમદાવાદથી અર્પણ કાયદાવાલા, સુરતથી ચેતન પટેલ, વડોદરાથી રવિ અગ્રવાલ)