અરેરાટીભર્યો બનાવ, શ્વાને 5 વર્ષની બાળકીનુ માથુ ફાડ્યુ અને તેનુ લોહી ચાટવા લાગ્યું
Vadodara News : વડોદરામાં રખડતા ઢોરો બેફામ બન્યા છે. નાગરિકોના જીવ પર આવી બની છે, છતાં તંત્રને આ ઢોર કેમ દેખાતા નથી.... ઘોડિયામાં સૂઈ રહેલી બાળકી પર શ્વાને હુમલો કરીને તેનુ માથુ ફાડી નાંખ્યું
જયંતી સોલંકી/વડોદરા :વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસને કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર હતા. રખડતી ગાયો બાદ હવે રખડતા શ્વાન પણ લોકોને રંજાડી રહ્યાં છે. શહેરમાં ગાયો બાદ શ્વાનના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સમતા વિસ્તારમાં એક શ્વાને પાંચ મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. ઘરમાં ઘોડિયામાં ઊંઘતી 5 મહિનાની બાળકીને ઉંચકીને શ્વાન લઈ ગયો હતો અને તેનુ માથું ફાડી કૂતરું લોહી ચાટવા લાગ્યું હતું. ત્યારે માતાએ ભારે જહેમતે દીકરીને બચાવી હતી.
સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટની આ ઘટના છે. ફ્લેટના એક ઘરમાં અચાનક શ્વાન ઘૂસી આવ્યો હતો. માતા ઘરમાંથી પાણી ભરવા માટે બહાર નળ પાસે ગઈ અને દરવાજો ખુલ્લો હોવાથી શ્વાન ઘરમાં ઘૂસી ગયું હતું. કુતરાએ ઘોડિયામાં સુતી પાંચ મહિનાની જાનવી નામની બાળકી પર હુમલો કર્યો હતો. કૂતરાએ પહેલા બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને બાદમાં તેનુ લોહી ચાટવા લાગ્યું હતું. આ જોઈ તરત માતા દોડી આવી હતી. માતાએ કૂતરાને ભગાડવાનો પ્રયાસ કર્યો છતાં કૂતરું ત્યાંથી ન હટ્યુ. આખરે માતાએ બાળકીને હાથમાં ઊંચકી લીધી અને બાળકીને બચાવી ઘરમાંથી ભાગી ગઈ હતી. તો ઈજાગ્રસ્ત બાળકીને વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ, રોડ વચ્ચે ભેંસ આવી જતા માતા-પુત્રી પટકાયા, બંને લોહીલુહાણ
રવિવારે શહેરમાં રખડતા ઢોરના આતંકની બનેલી આ બીજી ઘટના છે. વડોદરામાં સવારે રખડતા ઢોરના કારણે માતા પુત્રીને પણ ઈજા પહોંચી હતી. જ્યારે હવે રાત્રે રખડતા કૂતરાએ બાળકી પર હુમલો કર્યો હતો. અગાઉ પણ સુંદરપુરા ગામ પાસે શ્વાને બાળકીનો અંગૂઠો કરડતા અંગૂઠો જ કપાઈ ગયો હતો. જ્યારે ફરી રખડતા કૂતરાએ ઘરમાં સુતેલી બાળકી પર હુમલો કર્યો છે.
બનાવ પગલે વિસ્તારમાં શ્વાનના ભયથી નાગરિકોએ ઘરમાંથી બાર નીકળવાનું બંધ કર્યુ છે. છતાં વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનું તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. રખડતા ઢોરો તંત્રને કેમ દેખાતા નથી.