ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિરની આસપાસના વિસ્તારમાં જ સ્ટ્રીટ લાઈટ બંધ
ભારત દેશને અંગ્રેજોની ગુલામીના કાળા અંધારામાંથી બહાર લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર અને પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કરનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં જ ગાંધી જન્મભૂમીની ગરીમા નથી જળવાઈ નથી રહી.
અજય શીલુ/પોરબંદરઃ વિશ્વ વિભૂતી અને અંહીસાના પુજારી સહિતના અનેક બિરુદુ જેઓને મળ્યા છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની હાલ સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતુ સરકારી વિભાગોના સંકલનના અભાવના કારણે ગાંધી જન્મભૂમી કિર્તી મંદિર સુધી જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટ તો ફીટ કરાઈ પણ હજુ તેને ચાલુ કરાઈ નથી.
પોરબંદર શહેરના શિતળા ચોકથી માણેક ચોક એટલે કે કિર્તી મંદિરની આસપાસના વિસ્તારમાં પ્રવાસન સ્થળના વિકાસ તરીકે છેલ્લા છ મહિનાથી પૌરાણિક શૈલીના વીજપોલ ફીટ કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા આ વિસ્તારમાં 25 જેટલા વિજપોલ પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ લાઈટો શરુ થઈ નથી.
અહો આશ્ચર્યમ! વિજળીના બીલમાં કર્મચારીએ લખ્યું, "ભેંશ બીલ બનાવવા દેતી નથી"
આ અંગે સ્થાનિક રહીશ દિનેશ થાનકીએ જણાવ્યું કે, 'જે મહામાનવે દેશને આઝાદી અપાવી હોય, જે મહામાનવે દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હોય એવા રાષ્ટ્રપિત ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિરની આસપાસના વિસ્તારમાં જ અંધારૂં રહે છે. અહીં વિકાસના નામે વિજપોલ નાખવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય મહિનાથી તે બંધ હાલતમાં છે. સરકારી તંત્ર ઘોર નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે.'
આ અંગે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર આર.જે. હુદડનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, "આ કામગીરી પ્રવાસન વિભાગની છે. જેમાં પાલિકાની કોઈ જવાબદારી નથી. હાલ કામ પૂર્ણતાના તબક્કે છે. કામ પૂર્ણ થયા બાદ લાઈટોની જવાબદારી પાલિકાની રહેશે."
જોકે ચીફ ઓફીસર એ ભુલી ગયા કે, નગરપાલિકાનું બિલ્ડીંગ પણ આ રોડ પર આવેલું છે. અહીં સડક નિર્માણનું કામ પૂર્ણ થયાને એક વર્ષ જેટલો સમય પણ વિતી ચુક્યો છે. હવે, આગામી 2 જી ઓક્ટરબના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે, ત્યારે જોવું રહ્યું કે લાખોના ખર્ચે ફીટ કરવામાં આવેલી આ સ્ટ્રીટ લાઈટ ક્યારે શરૂ થાય છે.
જૂઓ LIVE TV....