નિલેશ જોશી/વાપી :ઔદ્યોગિક નગરી વાપીમાં પ્રદુષણ સૌથી મોટી સમસ્યા છે. ત્યારે વાપીના છેવાડે આવેલા કરવડ ગામની સરકારી પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થી અને એક શિક્ષકે વાહનોના ધુમાડાથી થતાં પ્રદૂષણને ઘટાડવા માટે નજીવા ખર્ચે સાઇલેન્સર ફિલ્ટર નામનું એક ડિવાઇસ બનાવ્યું છે. શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા બનાવેલા આ ડિવાઈસના ઉપયોગથી સરકારની નવી વહીકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના વાહનમાલિકોને મોટો ફાયદો થઈ શકે છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના છેવાડે આવેલી વલસાડ જિલ્લાની વાપી જીઆઇડીસી સમગ્ર એશિયાની અગ્રણી જીઆઇડીસી માનવામાં આવે છે. વાપી અને આસપાસના વિસ્તારમાં નાના-મોટા 8000 થી વધુ ઉદ્યોગ-ધંધાને ધમધમે છે. સાથે જ વાપી મોટું શહેર હોવાથી અહીં અસંખ્ય વાહનો પણ રસ્તાઓ પર દોડતા જોવા મળે છે. આથી વાપીમાં ઔદ્યોગિક પ્રદૂષણ સાથે વાહનોના ધુમાડાના પ્રદુષણની માત્રા પણ વધારે છે. આથી વાપીમાં પ્રદુષણ સૌથી મોટી સમસ્યા છે. પ્રદૂષણને નાથવા સરકાર અને સ્થાનિક કક્ષાએ ઉદ્યોગો દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવા સમયે વાપીના છેવાડે આવેલા કરવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા યશ પટેલ નામના વિદ્યાર્થી અને આ શાળાના શિક્ષક જીગ્નેશ પટેલ દ્વારા પ્રદૂષણના ઘટાડા માટે એડવાન્સ પોલ્યુશન કંટ્રોલ વેહિકલ સાઇલેંશર નામના પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં દોડતા નાના વાહનોના સાઇલેન્સરમાંથી નીકળતા પ્રદૂષણને ઘટાડવા માટે એક સ્પેશિયલ ડિવાઇસ બનાવાયુ છે. જેને સાઇલેન્સર ફિલ્ટર તરીકે ઓળખે છે.


આ પ્રોજેક્ટને નેશનલ સ્તરે મળી વાહવાહી
આ સાઇલેન્સર ફિલ્ટરને નાના વાહનના સાઇલેન્સરમાં લગાવવામાં આવે તો વાહનોમાંથી નીકળતા ધુમાડામાં અત્યંત બારીક અને હાનિકારક પ્રદૂષણના પાર્ટિકલને રોકી અને વાહનના ધુમાડાથી થતા પ્રદૂષણને 90 ટકા સુધી ઘટાડી શકાય છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ શાળાના શિક્ષક અને વિદ્યાર્થીના આ પ્રયાસથી બનાવવામાં આવેલા આ ડિવાઇસને પ્રથમ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા અને ત્યારબાદ રાજ્યકક્ષાએ પણ તેની પસંદગી થઇ હતી અને હવે રાષ્ટ્રીય લેવલે પણ આ પ્રોજેક્ટ પસંદ થતાં શિક્ષક અને વિદ્યાર્થી બંને ખુશી અનુભવી રહ્યા છે.


મહત્વપૂર્ણ છે કે યશ પટેલ વાપીના કરવડના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. યશના પિતા વિનોદભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી ગેરેજ ચલાવે છે. જોકે 20 વર્ષ ગેરેજ ચલાવવા છતાં પણ તેઓ જે કામ નથી કરી શક્યા તે કામ તેમના પુત્ર યશે નાની ઉંમરે જ શાળામાં ભણતા ભણતા આ પ્રદૂષણ ઘટાડવા માટેનું સાયલેન્સર ફિલ્ટર બનાવ્યું હોવાથી તેના પિતા પણ પુત્ર પર ગર્વ અનુભવે છે. સાથે જ આ પ્રોજેક્ટમાં યશના માર્ગદર્શક શિક્ષક જીગ્નેશ પટેલના દાવા મુજબ આ સાયલેન્સર ફિલ્ટરના ઉપયોગથી નાના વાહનોમાંથી નીકળતા ધુમાડાના પ્રદૂષણને 90 ટકા સુધી ઘટાડો કરી શકાય છે અને જો આ ડિવાઈસનો ઉપયોગ સેકન્ડ હેન્ડ કે જુના વાહનોમાં પણ કરવામાં આવે તો સરકારની નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના વાહન માલિકોના વાહનોની કાર્યક્ષમતા પણ વધી શકે છે. માત્ર નજીવા ખર્ચે આ ડિવાઈસ અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.


વર્તમાન સમયમાં દેશમાં ઔદ્યોગિક અને ભૌતિક ક્ષેત્રે ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. આથી આથી દેશમાં ઉદ્યોગોની સાથે વાહનોમાં પણ અનેક ગણો વધારો થઈ રહ્યો છે. આથી ઔદ્યોગિક પ્રદૂષણની સાથે વાહનોનાં ધુમાડાથી થતા પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. આથી યશ અને તેના શિક્ષકે બનાવેલું સાઇલેન્સર ફિલ્ટર પણ જો વાહનોના પ્રદૂષણને 90 ટકા સુધી ઘટાડી શકતું હોય તો સરકારે પણ તેના પર ધ્યાન આપી સાયલેન્સર ફિલ્ટરના કોમર્શિયલ ઉત્પાદન અને ઉપયોગ અંગે પણ વિચારવું જોઈએ.