ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદની સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલા બાળકોને બચાવવા માટે રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. કેમેરાથી સજ્જ આ રોબોટ સાંકડા બોરવેલમાં ફસાયેલા બાળકને શોધવા અને બચાવવામાં મદદ કરવા માટે માર્ગ મોકળો કરી શકે છે. તેમને આ પ્રોટોટાઈપ તૈયાર કરવાની પ્રેરણા બોરવેલમાં પડીને જીવ ગુમાવનારા બાળકો સાથે સંબંધિત મીડિયા રિપોર્ટ્સમાંથી મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર પ્રોજેક્ટ પ્રોફેસર શ્રીજી ગાંધીની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો છે.  પોલિટેકનિક કોલેજના ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગના છ વિદ્યાર્થીઓની ટીમ રોબોટ પ્રોટોટાઇપ બનાવવામાં સામેલ હતી.


અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજ લેક્ચરર શ્રીજી ગાંધી જણાવે છેકે, વિદ્યાર્થીઓએ આ ખુબ સારા વિચારને આકાર આપ્યો છે. આ સંશોધન કેટલાંય લોકોનો જીવ બચાવી શકે છે. આ રોબોટ WiFi સાથે કનેક્ટેડ છે અને તે કેમેરાથી સુસજ્જ છે. તેને દૂરથી પણ નિયંત્રિત કરી શકાય છે. અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી અને 


રોબોટ ઈનોવેટર દેવ દવે જણાવે છેકે, અમે આમાં આઈ પી કેમેરો યુઝ કર્યો છે અને કંટ્રોલરનો ઉપયોગ કર્યો છે. જેનાથી અમને રિયલ ટાઈમ ડેટા મળી શકે છે. જે 25 થી 30 ફૂટ નીચે પણ જઈ શકે છે અને રિમોટથી કંટ્રોલ થાય છે. આ રોબોટ હજુ પ્રોટોટાઈપ તબક્કામાં છે. જે સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી તેનો ઉપયોગ બાળકોને બોરવેલમાંથી બચાવવા ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ કરી શકાય છે. આ રોબોટનો ઉપયોગ પાણી પુરવઠાની લાઈનોનું સમારકામ અને ભૂગર્ભ ગેસ પાઈપલાઈનમાં થતા લીકેજને અટકાવવા પણ થઈ શકશે. આમ, ગુજરાતના આ યુવાનો આપણી આસપાસની સમસ્યાઓના સમાધાન માટે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી વિકસિત ભારત, વિકસિત ગુજરાતની સંકલ્પનાને સાકાર કરી રહ્યા છે.