અડગ મનના માનવીને હિમાલય પણ ન નડે, કોઈ ચોકીદારપુત્ર તો કોઈ ટ્રક ડ્રાઈવરનો પુત્ર...મેળવ્યું ઝળહળતું પરિણામ
એવું કહેવાય છેકે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું સરેરાશ 71.90 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ: એવું કહેવાય છેકે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું સરેરાશ 71.90 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 84.47 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 29.81 ટકા આવ્યું છે. કેન્દ્ર પ્રમાણે ધ્રોલ કેન્દ્રનું રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. બોર્ડ દ્વારા ધ્રોલ કેન્દ્રનું 91.60 ટકા પરિણામ જાહેર કરાયું છે, જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી નીચું 27.19 ટકા પરિણામ જાહેર થયું છે. આ વખતની આ પરીક્ષામાં એવા ઉદાહરણ જોવા મળ્યા છે કે ઘરની સામાન્ય સ્થિતિ પણ આ વિદ્યાર્થીઓના મનોબળને ડગાવી શકી નથી અને તેઓએ જબરદસ્ત સફળતા મેળવી છે. આવા જ કેટલાક પ્રેરક ઉદાહરણો આપણે જોઈએ.. જેમણે કપરી પરિસ્થિતિમાં પણ સારું પરિણામ મેળવ્યું છે.
(સંજય ધોરીયા, રાજકોટ)
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટની ખાનગી શાળામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરેશભાઇ ધોરીયાના પુત્ર સંજયને ધો.12 સાયન્સમાં 99.22 પરસેન્ટાઈલ આવ્યા છે. ચોકીદારના પુત્રએ ઝળહળતું પરિણામ મેળવતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ચોકીદાર તરીકે નોકરી કરી હરેશભાઇ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે પુત્રના ઝળહળતા પરિણામને લઇને પિતા પણ ખુશ છે. સંજયે રોજની 13 કલાકની મહેનત બાદ આ સારું પરિણામ મેળવ્યું છે. ચોકીદારના પુત્ર સંજયનું સપનું કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું છે.
(યશ અધિકારી, અમદાવાદ)
અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદમાં આવેલી દિવાન બલ્લુભાઈ શાળામાં 99.60 ટકા સાથે ઉતિર્ણ થયેલા યશ અધિકારીએ પોતાની આ સફળતા બદલ પિતાનો આભાર માન્યો છે. ટોપર યશ અધિકારીના પિતા સિવિલ હોસ્પિટલમાં શૌચાલયમાં કેર ટેકર તરીકે ફરજ બજાવે છે. યશ પાલડીની દીવાન બલ્લુભાઈ શાળાનો વિદ્યાર્થી છે. દાણીલીમડામાં રહે છે. ગ્રુપ A ગણિતમાં 99.60 પરસેન્ટાઇલ છે.
(જયદીપ વેકરિયા, રાજકોટ)
રક્ષિત પંડ્યા, રાજકોટ: આ છે પોરબંદરના રાણાવાવનો જયદીપ વેકરિયા. જયદીપના પિતા દેવરામભાઈ મોકરિયા ટ્રક ચલાવવાનું કામ કરે છે. આ સાથે ખેતી પણ કરે છે. મધ્યમ વર્ગમાંથી આવેલા જયદીપે રાજકોટમાં અભ્યાસ કરીને ધોરણ 12 સાયન્સમાં 99.67 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ખેતી સાથે સાથે ટ્યુશન કર્યા વગર જ જયદીપે આ સફળતા મેળવી છે. ત્યારે પોતાના પુત્રએ વચન પ્રમાણે પરિણામ મેળવતા જયદીપના પિતાની છાતી ગદગદ ફુલી રહી છે.
(ગૌતમ માખેચા, મોરબી)
હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબીની વાત કરીએ તો મોરબીની શાકમાર્કેટમાં ફ્રૂટનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પ્રદીપભાઈ માખેચાના દીકરા ગૌતમ માખેચાએ ૯૯.૯૮ પીઆર સાથે રાજ્યમાં પણ બીજો અને જીલ્લામાં એ ગ્રુપમાં પ્રથમ નંબર મેળવ્યો છે. ગૌતમના પિતાને મોરબીની શાકમાર્કેટમાં ફ્રુટનો થડો છે અને ત્યાં વેપાર કરીને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને ધોરણ ૧૨ સાયન્સમાં અભયસ કરતો હોવા છતાં પણ ગૌતમ જયારે પણ રજા હોય ત્યારે વર્ષ દરમ્યાન તેના પિતાને મદદરૂપ બનવા માટે શાકમાર્કેટમાં જતો હતો અને પિતા પ્રદીપભાઈ હાજર ન હોય તો તે પોતે થડા ઉપર બેસીને વેપાર પણ કરતો હતો.
(શૈલી શાહ, ભૂજ)
રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: ભૂજની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ની શૈલી શાહ A1 99.63 પર્સન્ટેજ સાથે કચ્છ જિલ્લામાં પ્રથમ રહી હતી. જિલ્લાનું કુલ પરિણામ 76.45 ટકા આવ્યું છે. ઉત્તિર્ણ થયેલાં છાત્રોમાંથી 7 જણને A1 ગ્રેડ, 52 જણને A2 ગ્રેડ, 132 જણને B1, 215 જણને B2 ગ્રેડ, 292ને C1 ગ્રેડ મળ્યાં છે. 317 છાત્ર નાપાસ થયાં છે.