હિતાર્થ પટેલ/ડાંગ: ગુજરાતનો ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સ્ટ્રોબેરીની દુનિયામાં પગ મુકી દીધો છે. અટેલું જ નહીં હવે સ્ટ્રોબેરી ડાંગની ઓળખ બની ગઇ છે. બાળકોની ખૂબ જ પ્રિય અને વીટામીન C થી ભરપૂર એવી સ્ટ્રોબેરી ના આજે મોટા શહેરોની સાથે સાથે ગ્રામીણ વીસ્તારોમાં પણ અનેક ચાહકો છે. સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને અન્ય ખીણવાળા વિસ્તારોમાં થતી હોય છે. અત્યાર સુધી મહાબળેશ્વરની માનીતી એવી આ ખાટી મીઠી સ્ટ્રોબેરી હવે ગુજરાતના સાપુતારાની પણ ઓળખ બની ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સાપુતારામાં કુદરતી સૌંદર્ય નિહાળવા આવતા લોકો હવે સ્ટ્રોબેરીને પણ સાપુતારાની ઓળખ ગણાવે છે. એટલે જ આજે ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મહાબળેશ્વરના બજારમાં પણ સાપુતારાની સ્ટ્રોબેરીની માંગ વધી છે. અત્યાર સુધી ડાંગના ખેડૂતો ટામેટા અને ડાંગર જેવી પરંપરાગત ખેતી જ કરતા હતા.



એક સમયે મહાબળેશ્વરની સ્ટ્રોબેરીની મોનોપોલી હતી. મહાબળેશ્વર ફરવા જનાર સહેલાણીઓ તેમના સગાસંબંધીઓ તથા મિત્રો માટે સ્ટ્રોબેરીની ભેટ લઈ આવતા હતા. આજે સમય પલટાયો છે. મહાબળેશ્વરની સ્ટ્રોબેરીની સ્પર્ધામાં ટકી શકે એવા સ્ટ્રોબેરીનુ ઉત્પાદન દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં સફળતાપૂર્વક લેવામા આવી રહ્યું છે.



ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા કુદરતી સૌંદર્ય અને આહલાદક વાતાવરણ માટે જાણીતું છે. પરંતુ સાપુતારાના આજુબાજુના વિસ્તારમાં થતી સ્ટ્રોબેરીની ખેતી પણ હવે જાણીતી થઇ છે. સાપુતારાના તળેટી વિસ્તારના દબાસ, ગલકુંડ, ચીખલી, બોરીનાગાંવઠા સહિત સરહદીય વિસ્તારોમાં મોટા પાયે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે. આ દ્રશ્યો અને સ્ટ્રોબેરીના ઉત્પાદન પરથી એટલું તો ચોક્કસથી કહી શકાય કે, ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બની રહ્યો છે. વિકાસશિલ બની રહ્યો છે. તમે ખુદ અહીં આદિવાસી ખેડૂતોની ખેતી કરવાની પદ્ધતી જ જોઈ લો. ડાંગની ઓર્ગેનિક સ્ટ્રોબેરી મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં થતી સ્ટ્રોબેરી કરતા પણ ઊંચી ગુણવત્તા ધરાવતી ગણાય છે. ડાંગ બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા ડાંગના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરીને વધુ આવક મેળવતા થયા છે. 



ખાસ કરીને સ્ટ્રોબેરી મહારાષ્ટ્રનાં મહાબળેશ્વર ખાતે જ થતી હોવાની માન્યતા હવે ડાંગ જિલ્લાનાં ખેડૂતોએ ખોટી પાડી છે,આ ખાટી-મીઠી રસસભર સ્ટ્રોબેરી મહારાષ્ટ્રની સાથે હવે ગુજરાતનાં ડાંગની ઓળખ બની ગઈ છે,ડાંગના આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે સિઝનલ પાક એવા ઓર્ગેનિક સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવવા લાગ્યા છે, ખાસ કરીને ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને ડાંગ જિલ્લાનું અનુકૂળ વાતાવરણ મળી રહેતા અહીનાં ડાંગી ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવવામાં સફળતા મેળવી છે,જેનુ ઉત્તમ ઉદાહરણ ડાંગ જિલ્લાના બોરીનાગાંવઠા ગામના ખેડૂત ગણેશભાઈ ગાયકવાડ પુરૂ પાડી રહ્યા છે, ડાંગ જિલ્લામાં હવે વધુને વધુ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરવા લાગ્યા છે, ત્યારે તેઓને જરૂર પડે ડાંગ બાગાયત વિભાગ દ્વારા પણ માર્ગદર્શન સાથે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 



વધુમાં ડાંગ જિલ્લાના ઓર્ગેનિક સ્ટ્રોબેરીની ખેતી કરતાં ખેડૂત ગણેશભાઈ ગાયકવાડે જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે અમને બાગાયત વિભાગ દ્વારા ફાર્મ ફેસ ફેસ્ટિવલમાં સ્ટોલ મળ્યો હતો જ્યા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ અમારા ખેતરમાં થતી સ્ટ્રોબેરી ચાખી હતી અને જોઈ હતી ત્યાર બાદ આણંદ ખાતે પણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ડાંગની સ્ટ્રોબેરી ચાખી હતી જેને લઈને ડાંગના સ્ટ્રોબેરીના ખેડૂત ગણેશભાઈ સહિત તેમનો પરિવાર તેમના માટે ગૌરવ અનુભવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક સ્ટ્રોબેરીની ખેતી માટે પ્રેરિત કરી રહ્યા છે.



અત્યાર સુધી ડાંગમાં ટામેટા અને ડાંગર જેવી પરંપરાગત ખેતી થતી હતી. સ્ટ્રોબેરીની માંગ વધતા ડાંગના ખેડુતો ઓર્ગેનિક સ્ટ્રોબેરીની ખેતી કરતા થયા છે. આદીવાસી ખેડુતોને પગભર કરવા ડાંગમાં સરકારે પણ સહાય પુરી પાડી  છે. સરકારના બાગાયત વિભાગ દ્વારા સ્ટ્રોબેરી ની ખેતી માટે સબસીડી પણ આપવામાં આવે છે. ડાંગના  ખેડુતોને રોકડીયા પાક તરફ વાળવા ડાંગનો બાગાયત વિભાગ પ્રયત્નશીલ રહે છે. વર્ષોની મહેનત બાદ હવે ડાંગના ખેડુતો આ પાકથી સારી આવક મેળવતા થયા છે.



ગુજરાતનું ગીરીમથક  સાપુતારા અત્યાર સુધી હવાખાવાનુ સ્થળ તરીકે જાણીતુ હતુ પરંતુ અહિની આદીવાસી ખેડુતોની મહેનતથી આજે સ્ટ્રોબેરી પણ આ વિસ્તારની અને ખાસ કરીને સાપુતારાની ઓળખ બની ગઇ છે. અહિંયા સ્ટ્રોબેરીના ખેતરો હવે સાપુતારા આવતા સહેલાણીઓ માટે નવા પર્યટક સ્થળ બની ગયા છે. ડાંગના આદિવાસીઓની આ સિદ્ધી પરથી એટલું ચોક્કસથી કહી શકાય કે, જો કાંઈક કરવાની ચાહના છે તો કોઈપણ સિદ્ધિ હાંસલ કરતા કોઈ નહીં રોકી શકે. હાલ ડાંગના ખેડૂતોએ તે કરી બતાવ્યું છે.



ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવામાં આવતા હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પરંતુ ડાંગના ખેડૂતો હજુ પણ સરકારની મદદ માગી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે હજુ પણ આદિવાસી ખેડૂતોને માર્ગદર્શન નથી મળી રહ્યું જેથી સરકાર દ્વારા ગામડે ગામડે ખેડૂતોને માર્ગદર્શન સાથે તાલીમ મળી રહે તેવું ડાંગના ખેડૂતો ઈચ્છી રહ્યા છે.