અમરેલી: ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ અને ખેડૂતો આધુનિક ખેતી અપનાવે તેવા આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી છે. પારંપારિક ખેતીથી આગળ વધી  આધુનિક અને રક્ષિત ખેતી દ્વારા ખેડૂતો ઓછા પાણીના ઉપયોગ થકી વધુ ઉત્પાદન અને વધારે આવક મેળવી શકે છે. ખાસ કરીને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અન્વયે ખેડૂતોને અનેક લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે. રાજ્યના બાગાયત વિભાગની રક્ષિત ખેતીની ફ્લેગશીપ યોજનાના લાભ દ્વારા અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામના  પ્રગતિશીલ ખેડૂતે જુદું કરી બતાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પ્રગતિશીલ ખેડૂત એવા રજનીભાઈ મધુભાઈ નાકરાણીએ પહેલા ગ્રીન હાઉસ અને હવે નેટ હાઉસની ખેતી દ્વારા કાકડીનું વાવેતર કરીને સોનેરી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. રજનીભાઈએ હાલમાં એક એકર જમીનમાં નેટ હાઉસ પદ્ધતિ દ્વારા કાકડીનું વાવેતર કર્યુ છે. આ વાવેતરમાં તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ પ્રથમ વર્ષે જ આશરે ૩૦-૪૦ ટન ઉત્પાદન મળવાની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે.



નેટ હાઉસ ખેતી વિશે માહિતી આપતા ખેડૂત રજનીભાઈ નાકરાણીએ જણાવ્યુ કે, આશરે ૧૦ વર્ષ પહેલાં ગ્રીન હાઉસ શરુ કર્યા હતા. મારા મિત્રએ ઈઝરાયેલમાં આ ગ્રીન હાઉસ નિહાળ્યા બાદ આ પદ્ધતિથી ખેતી કરવા માટે મને સૂચન કર્યુ હતુ. ત્યારબાદ અમે પુણે, બેંગ્લુરુ સહિતના વિસ્તારોમાં કાર્યરત ગ્રીન હાઉસની મુલાકાત લીધી હતી અને તેના વિશે માહિતી અને માર્ગદર્શન  મેળવ્યા હતા. તે પછી અમે અમારા ખેતરમાં ગ્રીન હાઉસ પ્રોજેક્ટ કર્યો હતો. અમે ગ્રીન હાઉસની ખેતીમાં તાઉતે વાવાઝોડા સુધી કાકડીના ઉત્પાદનમાં ઘણી સફળતા મેળવી હતી. ત્યારબાદ નેટ હાઉસનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. 



નેટ હાઉસ તૈયાર કરવા માટે બાગાયત વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ૬૫ ટકા જેટલી સહાય અમે મેળવી છે. ખેતી માટે થતાં ખર્ચ સામે પહોંચી વળવામાં આ સહાય થકી અમને આર્થિક રીતે મદદ મળી છે. એક એકરમાં  ૪,૦૦૦ ચો.ફૂટના બે નેટ હાઉસ અહીં તૈયાર કર્યા છે. આ નેટ હાઉસમાં કાકડીના કુલ ૧૮,૦૦૦ વેલા વાવ્યા છે. નેટ હાઉસના આ પ્રોજેક્ટ પાછળ થયેલા કુલ ખર્ચ વિશે રજનીભાઈએ ઉમેર્યુ કે, એક એકરના બે નેટહાઉસ તૈયાર કરવા આશરે રુ.૨૧ લાખ જેટલો ખર્ચ થયો હતો. આ પૈકી કેન્દ્ર સરકારની ૫૦ ટકા અને રાજ્ય સરકારની ૧૫ ટકા એમ કુલ મળીને ૬૫ ટકા એટલે કે રુ.૧૬ લાખ રૂપિયાની સબસિડી આ ખેતી માટે મેળવી છે. 



નેટ હાઉસ દ્વારા કાકડીના ઉત્પાદનમાં પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઘણી ઓછી રહે છે. ખેડૂત રજનીભાઈ ઉમેરે છે કે, આ પદ્ધતિથી જો કોઈ ખેડૂત કાકડી વાવે તો તેને પારંપારિક પદ્ધતિ કરતાં ઘણા ઓછા પાણીની જરુર રહે છે. ફક્ત ૨૦ ટકા પાણીમાં જ વધુ સારી રીતે આ ઉત્પાદન મેળવી શકાય છે. યોગ્ય માવજત રાખવાથી નેટ હાઉસના ઉત્પાદનને સુરક્ષિત રાખી શકાય અને ફૂગ સહિતના અન્ય પ્રશ્નો ઉદ્દભવે તે પહેલાં ડામી શકાય છે.



કાકડીની ખેતી પારંપારિક ખેતી સામે પડકારજનક વિકલ્પ હોઈ શકે કે નહીં? આ સવાલના જવાબમાં પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈ નાકરાણીએ જણાવ્યુ કે, આધુનિક ઢબની આ ખેતીની સરખામણીએ પારંપારિક ખેતીની જણસોના ઉત્પાદન અને આવકમાં ઘણું અંતર જોવા મળી શકે છે. દા.ત. આ વર્ષે જો અમે ૪૦ ટન જેટલું ઉત્પાદન મેળવીએ તો રુ.૧૮ લાખની અંદાજિત આવક થઈ શકે છે. જે અન્ય પાકમાં આટલી જમીનમાં ક્યારેય શક્ય નથી. કાકડીની ખેતીમાં થતી આવકમાં ૫૦ ટકા રકમ ખર્ચની હોય છે એવું તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ. 



રક્ષિત ખેતી એટલે કે ગ્રીન હાઉસ અને નેટ હાઉસ દ્વારા ખેતી કરવા માગતા ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાય વિશે વિગત આપતા નાયબ બાગાયત નિયામકશ્રી કુલદિપ સોજીત્રાએ જણાવ્યુ કે, જિલ્લામાં રક્ષિત ખેતી એટલે કે ગ્રીન હાઉસ અને નેટ હાઉસની ખેતી કરતા ૨૮-૩૦ જેટલા ખેડૂતોને સહાય આપવામાં આવી છે. ખેડૂતો મુખ્યત્વે કેપ્સીકમ, કાકડી, સ્ટ્રોબેરી અને પર્પલ કોબીઝની ખેતી પણ આ પદ્ધતિ અપનાવીને કરતા હોય છે. આ ખેતી પદ્ધતિને લીધે ઓફ સિઝનમાં પણ સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે.



કોઈપણ ખેડૂત અરજદાર કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો  'આઈ ખેડૂત' પોર્ટલ પરથી અરજી કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા બાગાયત  કચેરી,અમરેલીનો સંપર્ક કરી શકે છે. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે બરવાળા બાવીશીના પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈ નાકરાણી પ્રેરણાનું ઉદાહરણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube