સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો! બનાસની ધરતી પર બીજું અંગદાન, 68 વર્ષીય મધુબેને માનવતા મહેકાવી
પાલનપુરમાં બ્રેઈન ડેડ 68 વર્ષીય મહિલા શ્રીમતી મધુબેન હારાણીનાં આંખો, કીડની અને લિવરનું સફળ અંગદાન. આંખો, કીડની અને લિવર દાન દ્વારા જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે એવું માનવામાં આવતું હતું કે અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ જવું પડે. પરંતુ હવે એવું નથી, બનાસકાંઠા જિલ્લામાં તા. 17 સપ્ટેમ્બરના રોજ સ્વ. દિનેશભાઇ મકવાણાના પરિવારજનોએ પ્રથમવાર અંગદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ બનતા આજે બનાસની ધરતી પર બીજું અંગદાન થયું છે અને લોકોમાં આ અંગેની જાગૃતિ આવતા અંગદાનની પ્રવૃત્તિને વેગ મળી રહ્યો છે.
પાલનપુરનાં 68 વર્ષીય મહિલા શ્રીમતી મધુબેન હરિશભાઈ હારાણીને તારીખ 20 સપ્ટેમ્બર-2024નાં રોજ સાંજે આઠેક વાગ્યાના સુમારે બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.22 સપ્ટેમ્બર-2024 નાં રોજ વહેલી સવારે 06:00 વાગ્યે તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં.
તેમના પરિવારજનોમાં પુત્ર સુનિલભાઈ, જીતેશભાઇ અને પુત્રી વંદનાબેન દ્વારા માનવતાના ભાવથી આંખો, કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. જે અન્ય જરિયાતમંદ દર્દીઓ માટે જીવતદાન સમાન સાબિત થશે. સ્વ.મધુબેન હારાણીના પરિવારજનોના મહાન ત્યાગ અને માનવતાના ભાવથી આ દાન શક્ય બન્યું છે. તેમના આ નિર્ણયથી, બીજા દર્દીઓને જીવ બચાવવાની એક તક પ્રાપ્ત થશે. તેમની આંખો, કીડની અને લિવર દાન દ્વારા અનેક દર્દીઓને નવું જીવન મળશે અને આ પ્રશંસનીય કાર્ય અનેક લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા પણ પુરી પાડશે.
પાલનપુરની માવજત હોસ્પિટલ અને તેની તબીબી ટીમ ડૉ. જીતેશ અગ્રવાલ - ન્યુરો ફિઝિશિયન, ડૉ. કાર્ણિક મામતોરા - ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ડૉ. સુદીપ પટેલ - નેફ્રોલોજિસ્ટ અને ડૉ. દિશાંત વૈદ - એનેસ્થેટિસ્ટ, કાઉન્સેલિંગ સ્ટાફ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા સાથે મળીને આ અત્યંત મહત્વપૂર્ણ પ્રત્યક્ષ દાનની પ્રક્રિયા સુગમ બનાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અંગદાનની પ્રવૃત્તિને ખુબ ઝડપથી વેગ મળી રહ્યો છે. આ મહાન કાર્યમાં અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખની પ્રેરણા અને માર્ગદર્શન થકી શ્રેયાંશભાઈ પ્રજાપતિ, માનાભાઈ પટેલ, કમલેશભાઈ રાજગોર, પીરાભાઈ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠાની સંકલન ટીમનો મહત્વનો સહકાર રહ્યો છે, જેમણે હંમેશા અંગદાનની જાગૃતિ ફેલાવવા અને કઠણ પરિસ્થિતિમાં પણ સહકાર આપવાનો અવિરત પ્રયાસ કર્યો છે.
અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી કુલ સાત તથા SOTTO અને NOTTO દ્વારા માવજત હોસ્પિટલ પાલનપુરને જિલ્લાની પ્રથમ ઓર્ગેન રીટ્રાઇવલ (અંગ મેળવવા) સેન્ટર તરીકે માન્યતા મળ્યા બાદ એક જ અઠવડિયામાં બીજું અંગદાન પણ થયું છે.