સુરતીઓ દિવાળીએ ઘી ખાતા પહેલા ચેતી જજો, માર્કેટમાં સુમુલ ડેરીનું નકલી ઘી વેચાયું
Surat News : સુરતમાં ડુપ્લિકેટ ઘીના વેચાણના નેટવર્કનો પર્દાફાશ... સુમુલ ડેરીના નામે કરતા હતા ડુપ્લિકેટ ઘીનું વેચાણ... સચિન સ્લમ બોર્ડ નજીક રિક્ષામાંથી ઘીનો જથ્થો ઝડપાયો...
ચેતન પટેલ/સુરત :સુરતની જાણીતી સુમુલ ડેરીના નામે ડુપ્લીકેટ ઘીના વેચાણના નેટવર્કનો સચીન પોલીસે પર્દાફાશ કર્યો છે. સચીન વિસ્તારના સ્લમ બોર્ડ નજીક રીક્ષામાંથી ડુપ્લીકેટ ઘીનો જથ્થો અને પાલનપુર જકાતનાકાની વિનાયક નગર સોસાયટીમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યુ છે. સાથે જ માસ્ટર માઇન્ડ સહિતની ત્રણની ધરપકડ કરી રીક્ષા સહિત કુલ રૂ. 1.58 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
સચીન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે સચીન સ્લમ બોર્ડ નજીકથી ઓટો રીક્ષા નંબર જીજે-01 ડીવી- 7538 ને અટકાવ્યો હતો. તેની તપાસ કરતા તેમાંથી સુમુલ શુધ્ધ ઘીના 1 લિટરના 130 નંગ પાઉચ મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 69,900 નો જથ્થો અને ત્રણ નંગ મોબાઇલ સાથે રીક્ષા ચાલક રમઝાન ઉસ્માનગની શેખ, ગોટુસીંગ ગોવિંદસીંગ રાજપૂત અને રતનલાલ માધવજી પારેખને ઝડપી પાડ્યા હતા. ડુપ્લીકેટ ઘી હોવાથી તુરંત જ પોલીસે સુમુલ ડેરીના લીગલ અધિકારી અને કોર્પોરેશનના ફુડ સેફ્ટી અધિકારીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર નહીં થાય : સૂત્ર
સુરત એસીપી આરએલ માવાણીએ આ વિશે કહ્યું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં ઘી ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે ત્રણેયની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગોટુસીંગે કબૂલાત કરી હતી કે પાલનપુર જકાતનાકા નજીક વિનાયક નગર ખાતેના પોતાના ભાડાના રહેણાંક ખાતે વનસ્પતિ ઘીમાં એસેસન્સ વિગેરે મેળવીને ઘી બનાવતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ ટીમે ગોટુસીંગના વિનાયક નગર ખાતેના રહેણાંક ખાતે દરોડા પાડ્યા હતા. જયાંથી 1 લિટરના સુમુલ ઘીના 39 નંગ અને 500 મિ.લી.ના 14 નંગ પાઉચ, વનસ્પતિ ઘીના પતરાના ખાલી ડબ્બા નંગ 51, ઈલેકટ્રીક પ્લાસ્ટિક સીલર મશીન, ઈલેકટ્રીક વજન કાટો, એલ્યુમિનિયમનું તપેલું, પ્લાસ્ટિકની ગરણી અને જગ, ગેસનો ચુલો તથા સુમુલ શુદ્ધ ઘી 1 લિટરના ખાલી પાઉચ અને એસેસન્સની બોટલ મળી કુલ રૂ. 1.58 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ પણ વાંચો : ઈટાલિયા-ઈરાની વચ્ચે તું તું મેં મેં : વીડિયોના વિવાદને લઈને એકબીજા સામે બાખડી પડ્યા
કેવી રીતે બનાવાતુ હતું નકલી ઘી
સુરત પોલીસે સુમુલના ખાલી પાઉચ સપ્લાય કરનાર શંકર જાટને વોન્ટેડ જાહેર કર્યો છે. સુમુલના નામે ડુપ્લીકેટ ઘી વેચવાના માસ્ટર માઇન્ડ ગોટુસીંગ રાજપૂતે કબૂલાત કરી હતી કે, વનસ્પિત ઘીને તપેલીમાં ગરમ કર્યા બાદ તેમાં સોયા તેલ મિક્સ કરતો હતો. ત્યાર બાદ ઘીની સુંગધ માટે નાગરવેલ કંપનીનું ધી ફ્લેવર પ્રોએસેસન્સ નાંખતો હતો અને ઠંડુ પડ્યા બાદ વરાછાના શંકર જાટ નામની વ્યક્તિ પાસેથી ખરીદેલા સુમુલ ઘીના પાઉચમાં પેકી કરી ઓર્ડર મુજબ સપ્લાય કરતો હતો
અસલી નકલી ઘી આ રીતે ચેક કરો
ચારથી પાંચ ચમચી ઘી લઈને વાસણમાં ઉકાળો. ત્યારબાદ ઘીના આ વાસણને 24 કલાક સુધી અલગ રાખો. જો 24 કલાક પછી પણ ઘી દાણાદાર રહે અને તેમાં સુગંધ આવે તો ઘી અસલી છે. જો ઘીમાં આ બંને ગુણધર્મ ના હોય તો સમજો કે આ ઘી નકલી હોઈ શકે છે. બીજો રીત એ છે કે, એક વાસણમાં બે ચમચી ઘી, 1/2 ચમચી મીઠું અને એક ચપટી હાઇડ્રોક્લોરિક એસિડ લો. આ બધાને મિક્સ કરી અને તૈયાર મિશ્રણને 20 મિનિટ માટે અલગ રાખો. 20 મિનિટ બાદ તે ઘીનો રંગ તપાસો. જો ઘીનો રંગ ના રહે, તો ઘી અસલી છે. પરંતુ જો ઘી લાલ કે અન્ય કોઈ રંગનું દેખાય છે, તો સમજી લો ઘી નકલી હોઈ શકે છે. ત્રીજી રીત એ છે કે, એક ગ્લાસમાં પાણી ભરો અને એક ચમચી ઘી નાખો. જો ઘી પાણી પર તરતું જોવા મળે તો તમે સમજી લો કે અસલી છે. જો ઘી પાણીની નીચેના ભાગે સ્થિર થાય તો ઘી નકલી હોઈ શકે છે.