સુમુલ ડેરીની પશુપાલકોને ભેટ, દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો ભાવ વધારો કરાયો
સુરતની સુમુલ ડેરીએ પશુપાલકોને ભેટ આપતા પ્રતિ કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. ડેરી દ્વારા આ નવો ભાવ 21 ફેબ્રુઆરીથી લાગૂ પડશે.
ચેતન પટેલ, સુરતઃ સુરતની સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સુમુલ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૩૦ નો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા,દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાય અને ભેંસના દુધમાં કિલો ફેટે રૂપિયા 30નો વધારો કરાયો હતો.
પશુપાલકોને થશે લાભ
સુમુલ ડેરીના આ નિર્યણનો લાભ લાખો પશુપાલકોને મળવાનો છે. પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે ગાયના ફેટમાં કિલોએ 750 રૂપિયા હતા તે વધીને 780 થઈ ગયા છે. જ્યારે ભેંસના દૂધના 780 હતા તે 810 રૂપિયા પ્રતિ કિલો ફેટે થઈ ગયા છે. સુમુલ દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો 21 ફેબ્રુઆરી 2023થી લાગૂ કરવામાં આવશે. સુમુલ ડેરીએ છેલ્લા એક વર્ષમાં સાતમી વખત ફેટમાં ભાવ વધારો કર્યો છે.
ચાલુ નાણાકીય વર્ષમાં છઠ્ઠી વખત કર્યો વધારો
સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ડેરી દ્વારા પ્રતિ કિલોફેટે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સુમુલ દ્વારા ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધી કુલ સાતમી વખત ફેટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-2023માં કુલ છઠ્ઠી વખત ભાવમાં વધારો કરાયો છે.