આર્યન ડ્રગ્સકાંડનું ગુજરાત કનેક્શન! માસ્ટર માઈન્ડ ગોસાવી સાથેની ગુજરાત સરકારના મંત્રીની તસવીરથી ખળભળાટ!
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડના કિંગખાન કહેવાતા શાહરૂખ ખાનના પુત્રનની ડ્રગ્સકાંડ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કિંગખાના પુત્રને ઘણાં દિવસો સુધી જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. હવે આ ડ્રગ્સકાંડનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણા સાથે આ કેસના મુખ્ય આરોપી ગોસાવોનો ફોટો વાયરલ થતાં ભારે ઓહાપોહ મચ્યો છે. ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ એક આરોપી સાથે શું કરી રહ્યાં છે એવા સવાલ સાથે લોકો જાત-જાતના તર્ક લગાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યુંકે, મને તો ઘણાં બધા લોકો મળવા આવતા હોય છે. તેથી મને ખ્યાલ ન હોય કે કોનું બેગ્રાઉન્ડ શું છે? આવા તો રોજ ઘણાં લોકો મળતા હોય છે. હું આ ભાઈ કોણ છે એનો ઓળખતો પણ નથી.
મુંબઈના ક્રૂઝ અને આર્યન ખાન ડ્રગ્સકાંડમાં દિવસે ને દિવસે નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. તાજેતરમાં મુંબઈ ભાજપના નેતા મોહિત કંબોજે, જે સુનીલ પાટીલને ડ્રગ્સકાંડનો માસ્ટરમાઈન્ડ કહ્યો છે તેણે મીડિયા સમક્ષ સ્ફોટક ખુલાસાઓ કર્યા છે. તેના આ ખુલાસાઓને કારણે સમગ્ર ડ્રગ્સકાંડનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. એટલું જ નહીં, આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાઈરલ થઈ રહી છે. આ તસવીરમાં વનમંત્રી કિરીટ રાણા સાથે સુનીલ પાટીલ અને કિરણ ગોસાવી પણ જોવા મળ્યા છે. સુનીલ પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે હું અને કિરણ ગોસાવી ગુજરાતના મંત્રી કિરીટ રાણાને પણ મળ્યા હતા તેમજ વડોદરાના અક્ષય નામની વ્યક્તિને પોતાનો ખાસ મિત્ર ગણાવ્યો છે.
સુનીલ પાટીલ મુજબ તે અને ભાજપના નેતા મનીષ ભાનુશાળી 22 અને 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં હતા. આ સમયે જ તેની કિરણ ગોસાવી સાથે મુલાકાત થઈ હતી. કિરણ ગોસાવી અમદાવાદની નોવોટેલ હોટલમાં રોકાયો હતો. સુનીલ પાટીલની વાતચીતમાં મનીષ ભાનુશાળીના ખાસ મિત્ર ધવન ભાનુશાળીનો પણ ઉલ્લેખ કરે છે. ઉલ્લેખનીય છે કે સુનીલ પાટીલે જે જે લોકોનાં નામ લીધાં છે તેમાંથી મોટા ભાગના લોકોનું ગુજરાત કનેક્શન છે.
સુનીલ પાટીલે એક મીડિયા ઈન્ટરવ્યુમાં આ અંગે જણાવ્યું હતું કે હું ધુલિયાથી આવતો હોવાથી અહીં મારું કોઈ ઘર નથી. હું વાશીની ફોર્ચ્યુન હોટલમાં રોકાયો હતો, ત્યાં મનીષ ભાનુશાલી આવ્યો હતો. બે-ત્રણ મહિના સુધી હું ગુજરાતમાં તેની સાથે આવતો જતો હતો. મારી કંપનીનાં કામ હતાં, એટલે તેની સાથે ગયો હતો. અમુક મંત્રીઓને મળવાનું હતું, પણ બે મહિનાથી મીટિંગ થઈ શકી નહોતી, એટલે પાછો મુંબઈ આવી ગયો હતો. આ દરમિયાન 27 તારીખે મનીષ ભાનુશાળીએ રૂમ પર આવીને કહ્યું હતું કે તેની સાથે ગર્લફ્રેન્ડ આવી હતી, ગુજરાત આવવું છે મારી સાથે? થોડું કામ છે. તેણે કહ્યું હતું કે મને 1 કરોડ રૂપિયા મળશે તને 10-15 લાખ રૂપિયા મળશે. ફાઇનાન્શિયલી વીક હોવાથી મેં કહ્યું- ચાલ, આવું છું, તારી સાથે.
સુનીલ પાટીલ આગળ કહે છે, કિરણ ગોસાવી સાથે કોઈ વધુ ઓળખાણ નહોતી. તેની સાથે હું 6 સપ્ટેમ્બરથી સંપર્કમાં હતો. આ સમયે હું અને મનીષ મંત્રી પાસે કામ હોવાથી ગુજરાતમાં હતા. કિરણે પૂછ્યું તો મેં કહ્યું- અમદાવાદમાં છીએ. 22-23 સપ્ટેમ્બરની વાત છે. આ સમયે પહેલીવાર મારી કિરણ ગોસાવી સાથે મુલાકાત થઈ હતી. 22-23 તારીખે અમદાવાદની હોટલમાં રોકાયા હતા. કિરણ નોવોટેલમાં રોકાયો હતો અને અમે અલગ હોટલમાં હતા. અમદાવાદમાં બે ત્રણ દિવસ રોકાયા હતા. પછી હું પાછો મુંબઈ આવી ગયો હતો. કંઈ કામ થવાનું ન હોવાથી હું નીકળી ગયો. ‘મનીષ ભાનુશાળી અને મારા વડોદરાના એક મિત્ર અક્ષયભાઈની 22 સપ્ટેમ્બરે પણ તેમની મુલાકાત એક મંત્રી કિરીટભાઈ રાણા સાથે થઈ હતી. મનીષભાઈ લઈને ગયા હતા. ઓળખાણ હતી અને કિરણ હતો તો પછી એક ફોટો ખેંચાવી લીધો. મનીષભાઈએ કહ્યું કે એક ફોટો પડાવી લે. 27 સપ્ટેમ્બરે હું અને કિરણ ગાડીમાં ત્યાં ગયા. મારી કંપનીનું કામ હતું મનસુખભાઈ સાથે તો મને એમ થયું મારા કામનું પ્રેઝન્ટેશન પણ થઈ જશે. 1 ઓક્ટોબરે મેસેજ આવ્યો કે મનસુખભાઈ માંડવિયા આવવાના નથી. તેમને બે-ત્રણ દિવસ લાગશે
ત્યાર બાદ 1 ઓક્ટોબરની સવારે કિરણ અને મનીષ આવ્યા અને તેઓ ગાંધીનગર ગયા, જ્યાં કિરીટભાઈ રાણા સાથે તેમની મુલાકાત થઈ. મને બોલાવ્યો પણ મારે કોઈ કામ ન હોય તો હું કેમ આવું? મનીષ સાથે અમુક લોકો આવ્યા હતા અને તેઓ ગાંધીનગર તેમની ઓફિસ ગયા. મને 4 વાગ્યાની આસપાસ મનીષ સાથે જ રહેતા ધવલ ભાનુશાળીનો દિલ્હીથી ફોન આવ્યો, તે દિલ્હીમાં નોવોટેલમાં રહે છે. તે મનીષનો એકદમ ખાસ એટલે કે એકદમ ખાસ છે’
મુંબઈથી ગોવા જતા આલીશાન ક્રૂઝમાં ચાલતી રેવ પાર્ટીમાં શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ ઝડપાયો હતો. આ હાઇપ્રોફાઇલ કેસમાં તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ સાથે જોવા મળેલો મનીષ ભાનુશાળી મૂળ કચ્છનો છે. મધદરિયે રાત્રે 10 વાગ્યે ડ્રગ્સ પાર્ટી પર દરોડો પાડનાર એનસીબીના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે જ્યારે આર્યન ખાનને મુંબઇ લઇને ગયા ત્યારે તેની સાથે આ મનીષ ભાનુશાળી પણ જોવા મળ્યો હતો.
આ નબીરાઓને મુંબઇ લાવવામાં આવ્યા ત્યારે લાલ રંગના શર્ટમાં જોવા મળતો મનીષ ભાનુશાળી મૂળ અબડાસાના ભવાનીપર ગામનો છે. અબડાસાના ભવાનીપરમાં જન્મેલો અને મોથાળા હાઇસ્કૂલમાં ભણતો મનીષ ધંધા અર્થે મુંબઇ ગયો ને ડોમ્બિવલીમાં સ્થાયી થયો હતો. ડોમ્બિવલીમાં જુદા જુદા લોકોના સંપર્કમાં આવ્યા પછી ભાજપનો ખેસ પહેર્યો હતો. ત્યાં નરેન્દ્ર મોદી ફેન ક્લબ પણ ચલાવે છે. ભાજપના નેતાઓની મુલાકાત વખતે નેતાઓ સાથે ફોટો પડાવવાનો શોખીન મનીષ નિયમિત ભવાનીપર આવે છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે એક પત્રકાર પરિષદમાં મનીષની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરીને દિલ્હીમાં નકલી રેડ પાડવાનું આયોજન ગોઠવવામાં આવ્યું હોવાનું જણાવીને ભાજપના ઇશારે ષડયંત્ર હોવાનું કહ્યું હતું. કારણ કે મનીષ ભાજપનો કાર્યકર છે અને નગરસેવકની ભાજપ તરફથી ચૂંટણી પણ લડી ચૂક્યો છે. નવાબ મલિકે પત્રકાર પરિષદમાં કેટલાક ફૂટેજ રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે મનીષના ભાજપના નેતાઓ સાથે સંપર્ક છે, જ્યારે કચ્છમાં મુંદ્રા ખાતે કરોડો રૂપિયાનું હેરોઇન પકડાયું છે, ત્યારે ગુજરાતમાં સરકાર બદલાઈ હતી અને મનીષ પણ ગુજરાતમાં કેટલાક નવા મંત્રીઓ સાથે જોવા મળ્યો હોવાની તસવીરો રજૂ કરતાં ખરેખર મૂળ કચ્છના મનીષ ભાનુશાળીની ભૂમિકા શું છે એની તપાસની માગ કરી હતી.