ઝી ન્યૂઝ/આણંદ: રાજ્યમાં રામનવમી નિમિતે રાજ્યના 3 જિલ્લામાં શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોએ પ્રયાસ કર્યો છે. સાબરકાંઠા, આણંદ અને દ્વારકા જિલ્લામાં પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી જરૂરી પગલાં ભરવાની સૂચના આપી છે. રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે કે હિંમતનગર અને ખંભાતમાં હાલમાં શાંતિપૂર્ણ માહોલ છે. જ્યારે હિંમતનગરના છાપરિયામાં પથ્થરમારાની ઘટના બાદ 144ની કલમ લગાવાઈ છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાબરકાંઠામાં એસપી સહિત 10 પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી છે. બીજી તરફ, RAFની ટીમ હિંમતનગર પહોંચી ગઈ છે, જે શહેરમાં પેટ્રોલિંગ કરશે. હાલમાં શહેરમાં જે વિસ્તારોમાં 144ની કલમ લગાવવામાં આવી છે ત્યાં આ ફોર્સ પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત 39 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે અને 700 લોકોનાં ટોળાં સામે સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફરિયાદ દાખલ કરાઈ છે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જ્યારે ખંભાત અને દ્વારકામાં તંગદિલી ભર્યો માહોલ હોવાનું જાણવા મળે છે. આણંદના ખંભાતમાં જૂથ અથડામણમાં એકનું મોત થયું છે તો દ્વારકામાં વિધર્મી યુવકે ઝંડો સળગાવતાં તંગદિલી સર્જાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શનમાં
ગુજરાતમાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શનમાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના ત્રણેય જિલ્લાઓની વિગતો મેળવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, અમિત શાહે હિંમતનગર અને ખંભાતની હિંસાની વિગતો મેળવી છે, અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વર્તમાન સ્થિતિ બાબતે સમિક્ષા કરી છે. સંવેદનશિલ અન્ય વિસ્તારોમાં સુરક્ષાની સમિક્ષા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ આ વિશે ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube