દાહોદ: ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષાના મોટા મોટા દાવાઓ કરી રહી છે જેની પોલ ખોલતી ઘટના દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા મા બની છે. આજના આધુનિક યુગમાં પણ લોકોના મગજમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણી રહ્યું છે. ત્યારે ખાસ કરીને દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લામા મહિલાઓને ડાકણ હોવાનુ જણાવી માર મારવાના કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે બનેલ ઘટનાએ સમગ્ર જીલ્લામા ચકચાર મચાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના વાત જાણે એમ છે કે, દાહોદ જીલ્લાના અંતરિયાળ વિસ્તારના ટાઢાગોળા ગામે થોડા સમય અગાઉ એક યુવકનું કોઈ બીમારીથી મુત્યું થયુ હતું. જેનું કારણ જાણવા માટે યુવકના પરિવારજનો મધ્ય પ્રદેશના ભૂવા પાસે ગયા હતા. જ્યાં ભૂવાએ તેઓના પરિવાર માની બે મહિલાઓ ડાકણ હોવાની વાત કહી હતી. 


આ મહિલાઓ જ તેમના પુત્રને ખાઈ ગઈ હોવાનુ જણાવતા મૃતક યુવકના પરિવારજનો મધ્ય પ્રદેશમાંથી પરત આવીને તેઓના કુટુંબની બે મહિલાઓને ઘરમાંથી બહાર કાઢીને આંગણામાં આવેલા ઝાડ સાથે બાંધી લાકડા સળગાવી તેમા લોખંડની કોસ, પાઈપ ગરમ કરીને બંન્ને મહિલાઓને શરીરના ભાગે ડામ દેવામાં આવતા મહિલાઓએ બુમાબુમ કરવા લાગી હતી. 


આ સાથે જ મહિલાઓને માર પણ મારવામાં આવતા તેઓને હાથ પણ ફ્રેકચર થયા હતા. સમગ્ર ઘટનાની જાણ ગામલોકોને હોવા છતા ગામના લોકો પણ મુક દર્શક બની ને જોતા રહ્યા હતા. હાલ તો બંને મહિલાઓને તેઓના પરિવારજનોએ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી છે.