ઓલ્ડ લેડી 40% ભંગાઈ ગઈ છે, હવે મ્યૂઝિયમ કેવી રીતે બનાવશો : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તમારી ભાવનાઓને અમે સારી રીતે સમજીએ છીએ. પરંતુ હવે તે 40% તોડી નંખાયા બાદ જહાજમાં એ લાક્ષણિકતા રહી નથી
નવનીત દલવાડી/ભાવનગર :INS વિરાટ (INS Viraat) થી સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ સંકેત આપ્યા છે કે, તે યુદ્ધપોત આઈએનએસ વિરાટને તોડવા પર લાગેલા પ્રતિબંધને હટાવી શકે છે. ફેબ્રુઆરી 2017 માં નૌ સેનામાંથી રિટાયર્ડ થયા બાદ ઐતિહાસિક પોત તોડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઈ બેઝ્ડ કંપનીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે પોતાના પર્યાવરણ રિપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે. હવે આ મામલે સુનવણી આગામી સપ્તાહમાં થશે.
અલંગ સ્થિત જહાજ INS વિરાટનો સર્વે રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો હતો. ગોવાની ખાનગી કંપનીની અરજી સંદર્ભે INS વિરાટને ભાંગવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ત્યારે સોમવારે સર્વેયર દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું હતું કે, INS વિરાટનો 35 થી 40 હિસ્સો તોડી નાંખવામાં આવ્યો છે. ખુલ્લી હરાજીમાં 39.54 કરોડ જેવી મોટી રકમ આપી તેને ખરીદવામાં આવ્યું છે. તેના બાદ તેનો અમુક હિસ્સો દૂર કરી દેવામાં આવ્યો છે, તેથી હવે તેના ભાંગવા પર રોક લગાવવી જોઈએ નહિ.
આ પણ વાંચો : લક્ષણો વગરનો કોરોના 13 વર્ષના સુરતી બાળકને ભરખી ગયો, માત્ર 5 કલાકમાં ગયો જીવ
62 વર્ષ જુના INS વિરાટને મ્યૂઝિયમમાં રૂપાંતરિત કરવા ખાનગી કંપની તેને ગોવા લઈ જવા માંગે છે. ત્યારે ખાનગી કંપની દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો કે, તેને સારા નિષ્ણાતોની મદદ લઈને તેનું ફરી સમારકામ કરાવીશું. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તમારી ભાવનાઓને અમે સારી રીતે સમજીએ છીએ. પરંતુ હવે તે 40% તોડી નંખાયા બાદ જહાજમાં એ લાક્ષણિકતા રહી નથી. જોકે સુપ્રીમ કોર્ટે ખાનગી કંપનીને વધુ સમય આપ્યો છે અને INS વિરાટ અંગે વધુ સુનાવણી 12 એપ્રિલે હાથ ધરવા જણાવ્યું છે.
આમ, સુપ્રીમ કોર્ટે સેવાનિવૃત્ત થયેલ વિમાનવાહક યુદ્ધપોત આઈએનએસ વિરાટના તોડવાની હાલની સ્થિતિ પર રિપોર્ટ માંગ્યો છે. સાથે જ તેને મ્યૂઝિયમ બનાવવાની યોજના પર પણ માહિતી માંગી છે. આ યુદ્ધજહાજ વર્ષ 2017 માં રિટાયર્ડ થયું હતું, તે પહેલા નૌસેના માટે 29 વર્ષ કાર્યરત રહ્યું હતું. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિરાટને તોડવાની પ્રોસેસ કરાઈ હતી. ત્યારથી તેને તોડવાની પ્રોસેસ ચાલી રહી છે. ભાવનગરના અલંગની કંપની શ્રીરામ ગ્રૂપે 39.54 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યું હતું. તેના બાદ સપ્ટેમ્બરમાં તેને તોડવાની પ્રોસેસ કરાઈ હતી.
આ પણ વાંચો : ઉત્તર કોરિયાનો તાનાશાહ કીમ જોંગ પણ જેમની સામે ઘૂંટણીયે ટેકે છે, તે સાધુ ગુજરાતના એક બીચ પર કરી રહ્યાં છે સાધના
સાથે જ સુપ્રીમ કોર્ટે ખાનગી કંપની એનવિટેક મરીન કન્સ્ટલન્ટ પ્રાઈવેટ લિમિટેડને પૂછ્યું છે કે, જો ખાનગી કંપની તેને કાયદાકીય રીતે ખરીદીને તેનો 40 ટકા ભાગ તોડી ચૂકી છે, તો પછી આ યુદ્ધ જહાજને એક સંગ્રહાલય બનાવવા માટે કેમ જોઈએ. આ મામલે કંપનીના પ્રતિનિધિ રુપાલી શર્માએ કહ્યું કે, વિશ્વભરમાં યુદ્ધ જહાજોને સંરક્ષિત કરવામાં આે છે. તેઓ પણ જોવા માંગે છે કે, અત્યાર સુધી આ જહાજ કેટલુ તોડી ચૂકાયું છે અને હાલ તેની સ્થિતિ શું છે.
જહાજ ખરીદનાર કંપનીને થઈ ચૂક્યું છે મોટું નુકસાન
ભાવનગરના અલંગની કંપની શ્રીરામ ગ્રૂપે 39.54 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યું હતું. તેના બાદ સપ્ટેમ્બરમાં તેને તોડવાની પ્રોસેસ કરાઈ હતી. પરંતુ જહાજને તોડવા પર પ્રતિબંધ લાગતા કંપનીને અત્યાર સુધી 1 થી 1.25 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. કંપનીએ જહાજની ખરીદવા માટે જે રોકાણ કર્યું છે તેના પર રોજનું 5 લાખથી વધુની રકમનું વ્યાજ ચઢે છે. તો બીજી તરફ, જહાજને ભાંગવા માટે અગાઉથી મજૂરો સાથે કોન્ટ્રાક્ટ કરી લેવામાં આવે છે, જેથી તેઓ અન્ય કોઈ જહાજમાં કામે ન લાગે. તેથી મજૂરોને પણ પેમેન્ટ કરાઈ રહ્યું છે. જેથી નુકસાનીનો આંકડો એક થી સવા કરોડ પર પહોંચી ગયો છે.
2017માં સેવાનિવૃત્ત થયુ હતું
ભારતીય નૌસેનાનું બીજુ વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. આઈએનએસ વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજુ વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી, અને આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષો સુધી સેવા આપી હતી. તેનો હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું. જેનો મતલબ થાય છે કે, જેનો સમુદ્ર પર કબજો છે, તે જ સૌથી વધુ બળવાન છે.
આ પણ વાંચો : એકમાત્ર ફોકસ કોરોના પર, ગુજરાત સરકારના આ 7 નિર્ણય વાયરસને હંફાવશે
1987થી સેવા આપી રહ્યું છે આઈએનએસ વિરાટ
એચએમએસ હર્મીસના નામથી ઓળખાતું જહાજ 1959થી બ્રિટનના રોયલ નેવીમાં સેવામાં હતું. 1980ના દાયકામાં ભારતીય નૌસેનાએ તેને સાડા છ કરોડ ડોલરમાં બ્રિટન પાસેથી ખરીદ્યું હતું અને 12 મે, 1987ના રોજ તેને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું.
ગિનીસ બૂકમાં છે સ્થાન
આઈએનએસ વિરાટનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. તે દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતુ હતું અને તેમ છતા સારી કન્ડીશનમાં હતું. તેને ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ નામથી પણ ઓળખવામાં આવતુ હતું. પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તે ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનાર જહાજ છે.