સુરતઃ ઉપરી અધિકારીઓના ત્રાસથી પરેશાન હોમગાર્ડ મહિલાઓની વ્યથા, ન્યાયની માંગ
તમામ મહિલાઓ પોતાના ઉપરી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ કમિશનર ઓફિસ પહોંચી હતી.
સુરતઃ શહેરમાં લૂંટ, ચોરી, હત્યા, બળાત્કાર જેવી ઘટનાઓ બનતી હોય છે. શહેરમાં સામાન્ય લોકો સુરક્ષિત નથી. પરંતુ હોમગાર્ડમાં ફજર બજાવતી મહિલાઓ પણ પોતાને સુરક્ષિત માનતી નથી. જેથી હોમગાર્ડની મહિલાઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ગઇ હતી. શારીરિક-માનસિક હેરાનગતિની ફરિયાદ કરાઇ હતી. ઉપરી અધિકારી તરફથી હેરાનગતિ થતી હોવાની ફરિયાદ કરાઇ હતી. સાથે જ આ મહિલાઓને યોગ્ય ન્યાય મળે તેવી પણ માગ કરાઇ હતી. 24 મહિલાઓ સાથે ઘટના બની હોવાની વાત સામે આવી હતી. જેને પગલે ઉપરી અધિકારી સામે મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારે બપોરે શહેરમાં હોમગાર્ડમાં નકોરી કરતી આશરે 24 જેટલી મહિલાઓ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી હતી. તમામ મહિલાઓ પોતાના ઉપરી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ કમિશનર ઓફિસ પહોંચી હતી. હોમગાર્ડમાં ફરજ બજાવતી તમામ મહિલાઓનો આરોપ છે કે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમને શારીરિક માનસિક અત્યાચાર કરે છે.
આ સાથે મહિલાઓએ આરોપ લગાવ્યો કે, ફરજ પર હોઈએ ત્યારે કમાન્ડિંગ ઓફિસર તેમને સ્પર્શ કરે છે. આ સાથે મહિલાઓએ ફરિયાદ કરી કે, તેમને ઘરકામ માટે પણ બોલાવવામાં આવે છે. હોમગાર્ડમાં ફરજ બજાવતી મહિલાઓએ કહ્યું કે, અમે આ પહેલા અનેકવાર અરજીઓ કરી છે. પરંતુ આ મામલે કોઈ નિરાકરણ ન આવતા અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે અહીં આવ્યા છીએ.