સુરત: ગુજરાત સહિત સુરતમાં નશાનો કારોબાર કરતા લોકો પર પોલીસે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. ત્યારે મોતના સોદાગરો નવા કિમિયા થકી નશીલા પદાર્થો સુરતમાં મોકલવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ઓરિસ્સાથી ગાંજાની ડીલેવરી લઈને સુરત ખાતે આવતા ત્રણ યુવકોને પોલીસે ઝડપી પાડયા હતા. જોકે ગાંજાનો જથ્થો મોકલનાર વ્યક્તિ યુવકોને રેલવેની ટિકિટ આપી હતી. સુરતની જગ્યા ઉધના રેલ્વે સ્ટેશન પર ઉતરી જવાની સુચના આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં જે રીતે નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હતું તેના પર ગુજરાત પોલીસ સાથે સુરત પોલીસે સપાટો બોલાવવાનું શરુ કર્યું છે સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નશાનો કારોબાર કરતો ઓરિસ્સાનો એક વ્યાપારી ગાંજાનો મોટો જથ્થો લઇ ત્રણ જેટલા યુવકોને ટિકિટ આપી આજરોજ સુરત ડિલિવરી માટે મોકલી રહ્યા છે અને ખાસ કરીને તેમને સૂચના આપવામાં આવી હતી કે સુરત રેલ્વે સ્ટેશનની જગ્યા પર તે પહેલા જ આવતા ઉધના રેલવે સ્ટેશન પર ઉતરી જવાની કહેવામાં આવ્યું હતું. 


જોકે આ બાતમીના આધારે પોલીસે ઉધના રેલવે સ્ટેશનના ગેટની બહાર રીક્ષા સ્ટેન્ડ પાસેથી ત્રણ ટ્રાવેલીંગ ટ્રોલી બેગ લઈ ઉતરેલા સુશાંત ઉર્ફે બાદલ સુરેન્દ્ર મુડુલી, નારાયણ ધ્વીતી શાહુ ,તથા રાહુલકુમાર રમેશચંદ્ર શાહુ ની અટકાયત કરી હતી. તેમના સામાનની જડતી લેતા તેમાંથી રૂ.3,00,350 ની મત્તાનો 30 કિલો 35 ગ્રામ ગાંજો મળ્યો હતો. એસઓજીએ તેમની પાસેથી રોકડા રૂ.3130, રૂ.20,500 ની મત્તાના ત્રણ મોબાઈલ ફોન, રાજગંગપુરથી સુરતની ત્રણ રેલવે ટિકિટ વિગેરે મળી કુલ રૂ.3,23,980 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 


પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમના મિત્ર બ્રહ્મપુરના બિચુ ઉર્ફે અમર મુનીએ સુરતમાં આસાનીથી ગાંજો ઘુસાડવાનું શક્ય ન હોય તેમને ત્રણેયને રૂ.5 હજાર આપવાની વાત કરી તેમની ટિકિટ કરાવી મુસાફરના સ્વાંગમાં સુરત ગાંજાની ડિલિવરી માટે મોકલ્યા હતા અને ગાંજો સુરતના ઉધના સ્ટેશને ઉતરી પાંડેસરા હાઉસિંગમાં રહેતા પ્રશાંતને આપવા કહ્યું હતું. પોલીસની ભીંસને લીધે મિત્ર બિચુ ઉર્ફે અમર મુનીએ તેમને સ્પષ્ટ સૂચના આપી હતી કે ટિકિટ ભલે સુરતની છે પણ ઉધના સ્ટેશને જ ઉતરી જવા જણાવ્યું હતું. એસઓજીએ આ અંગે ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાવી બિચુ ઉર્ફે અમર મુની અને પ્રશાંતને વોન્ટેડ જાહેર કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube