આ સંકેતને સમજી જજો! ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોના વોર્ડ થશે શરૂ, માસ્ક પહેરવાની તૈયારી રાખજો
કોરોનાના કેસ ફરી વધતા રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને અગમચેતીના ભાગરૂપે તૈયારી રાખવા તાકીદ કરી છે. આથી સુરત નવી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રએ પણ કોરોના 40 બેડનો વોર્ડ શરૂ કરવા તજવીજ હાથ ધરી છે.
પ્રશાંત ઢીવરે/સુરત: રાજ્યમાં ફરી એકવાર કોરોના લોકોને ડરાવી રહ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાના કેસ ફરી વધતા રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને અગમચેતીના ભાગરૂપે તૈયારી રાખવા તાકીદ કરી છે. આથી સુરત નવી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રએ પણ કોરોના 40 બેડનો વોર્ડ શરૂ કરવા તજવીજ હાથ ધરી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના આઠમા માળે કોરોનાના દદીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરવા માટે સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કોરોના સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને અગમચેતીના ભાગરૂપે તૈયારી રાખવા તાકીદ કરતા સિવિલ હોસ્પિટલમાં 40 બેડનો વોર્ડ શરૂ કરવા માટે સાફસફાઈ શરૂ કરવામાં આવી છે. આ વોર્ડમાં ઓક્સિજન સહિત તમામ મેડિસિન સહિતની દવાઓ મૂકવામાં આવશે સાથે જ તબીબોની એક ટિમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. જોકે, હાલ સુરતમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી.
અમદાવાદમાં ફરી કોરોનાએ ઉંચક્યું માથું
અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો તેમાં 3 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે, જેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ 6 કેસ નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાંથી સામે આવ્યા છે. કોરોના વાયરસના જે 6 કેસ નોંધાયા છે, તેમની ઉંમર 25થી 60 વર્ષની વચ્ચે છે. 6 કેસમાંથી 3 કેસની ઈસ્ટ્રી વિદેશથી આવેલા લોકોની છે. 3 દર્દીઓ અમેરિકા અને સિંગાપુરથી આવેલા છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે કુલ 12 એક્ટિવ કેસ નોંધાયેલા છે.
કોરોનાના કેસ સામે આવતા RMC એક્શનમાં!
રાજકોટમાં કોરોના વાયરસના કેસ સામે આવતા RMC એક્શનમાં આવી ગયું છે. RMCએ એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં શહેરીજનોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. કોવિડના નિયમોનું પાલન કરવા માટે સુચના પણ આપવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિને શરદી-ઉધરસ જેવા લક્ષણો હોય તો ઘરની બહાર ન નીકળવા કહેવામાં આવ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટને કારણે હાહાકાર છે, ત્યારે ગુજરાત કોઈ બાંધછોડ લેવા માંગતું નથી. તેની ભાગરૂપે આ તૈયારીઓ શરૂ કરી છે.
કોરોના સંક્રમણના પગલે ભાવનગરમાં કોરોના વોર્ડ તૈયાર, તંત્ર એલર્ટ.
સમગ્ર વિશ્વને હચમચાવી મુકનાર કોરોના બાદ તેના નવા વેરિયન્ટ JN1 ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે લોકોમાં ચિંતા વધી છે. ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના 13 નવા કેસ નોંધાયા છે. ત્યારે ભાવનગર સરટી હોસ્પિટલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દવાનો સ્ટોક, બેડ અને સ્ટાફ અંગે તૈયારીઓ કરી લેવાય છે. તેમજ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અનુરોધ કરાયો છે.