સુરતમાં જન્મદિવસની ઉજવણીમાં હસીનાઓ અને હથિયારો સાથે જાહેરમાં હિચકારો, કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા!
ક્યારેક તલવારથી જાહેરમાં કેક કાપીને બર્થ ડે ની ઉજવણી કરવામાં આવે છે, તો ક્યારેક જન્મદિવસમાં દારૂની રેલમછેલ કરવામાં આવે છે. કંઈક આજ પ્રકારનો કિસ્સો આજે સુરત શહેરમાં સામે આવ્યો છે. નશામાં છાકટા બનેલાં યુવકો બાર ડાન્સરોની નચાવીને બર્થ ડેની ઉજવણી કરતા જોવા મળ્યાં હતાં.
તેજસ મોદી, સુરતઃ ક્યારેક તલવારથી જાહેરમાં કેક કાપીને બર્થ ડે ની ઉજવણી કરવામાં આવે છે, તો ક્યારેક જન્મદિવસમાં દારૂની રેલમછેલ કરવામાં આવે છે. કંઈક આજ પ્રકારનો કિસ્સો આજે સુરત શહેરમાં સામે આવ્યો છે. નશામાં છાકટા બનેલાં યુવકો બાર ડાન્સરોની નચાવીને બર્થ ડેની ઉજવણી કરતા જોવા મળ્યાં હતાં.
સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઉજવવા પર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કે, છાસવારે પોલીસના નિયમોનું ઉલ્લંઘન થતું સામે આવતું હોય છે. ત્યારે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતાં ચોક બજાર ખાટકીવાડમાં બાર ડાન્સરને બોલાવીને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કથિત રીતે કોઈ ચાઈનિઝવાળાના ધંધાર્થીના દીકરાની બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સરોને બોલાવીને ઠુમકાં લગાવવામાં આવ્યાં હતાં. બાળકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના લીરે લીરા ઉડાવતી પાર્ટીના વીડિયો સામે આવતાં અઠવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અઠવા પોલીસ સ્ટેશનની હદમાં ચોક બજાર ખાટકીવાડ વિસ્તારમાં બર્થ ડે પાર્ટીમાં રેમ્બો છરા સાથે ડાન્સ કરતો યુવક જોવા મળ્યો હતો. બાર ડાન્સર જેવી બે મહિલાઓ અને સાતેક યુવકો દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો. બર્થ ડે સેલિબ્રેશનના વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળે છે કે, ઘરના આંગણે મુખ્ય ગેટ પાસે શેરીમાં આ ડાન્સ પાર્ટી યોજીને હથિયારો સાથે રૌફ દર્શાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એસ.કોરાટએ જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલો વીડિયો પોલીસને પણ મળ્યો છે. વીડિયોના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તમામને વહેલી તકે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અગાઉ પણ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતાં ભાગા તળાવમાં સુગરી અને મીંડી ગેમના સભ્યો પણ નાચતા દેખાય હતા. બર્થડે પાર્ટી નિમિત્તે સ્ટેજ બાંધીને ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં 7 લોકોની અટકાયત કરી હતી.