તેજસ મોદી/સુરત: આજકાલના યંગસ્ટર્સને સોશિયલ મીડિયાનું જબરું ઘેલું લાગ્યું છે. સોશિયલ મીડિયાના કારણે અનેક યુવતીઓની જિંદગી ખરાબ થઈ જાય છે, તેમ છતાં કોઈ કિસ્સામાંથી બોધપાઠ લેવામાં આવતો નથી. બસ પ્રેમમાં આંધળા બનીને પોતાની જિંદગી સાથે ખિલવાડ કરી નાંખે છે. હાલ આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ મારફતે પાંગરેલા સંબંધોએ એમ. ટેક ના વિધાર્થીને બળાત્કારના ગુનામાં જેલના સળિયા ગણાવ્યા હતા. જો કે મોબઈલ ચેટિંગના આધારે પ્રેમ પ્રકરણ હોવાનું રેકોર્ડ પર આવતા કોર્ટે એક અઠવાડિયાના જેલવાસ બાદ આરોપીને શરતોને આધીન જામીન આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કારકિર્દી બનાવવાના બદલે પ્રેમમાં સંબધોની હદ પાર કરી જનારા યુવાનો માટે આંખ ઉઘાડનારા આ કેસની વિગત એવી છે કે, ડીંડોલી વિસ્તારમાં રહેતી અને બીબીએનો અભ્યાસ કરતી રીટા (નામ બદલેલ છે) એ પ્રેમ મૂંધવા (રહે. કતારગામ) નામના એમ.ટેક વિદ્યાર્થી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા થયા બાદ આરોપીએ લગ્નની લાલચ આપી અનેક વખત તેણી સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. જેમાં પોલીસે તારીખ 03/07/2022 ના રોજ પ્રેમ મુંધવાની ધરપકડ કરી હતી. બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જે. જોગડિયાએ જામીન અરજી સાથે દલીલ કરી હતી કે આરોપી વિદ્યાર્થી છે અને ફરિયાદી સાથે આરોપીએ કોઈ બળજબરી કરી નથી.


વધુમાં તેમણે ફરિયાદી અને આરોપી વચ્ચેના ઈન્સ્ટાગ્રામ, વોટસએપ તથા મેસેજમાં થયેલા ચેટિંગના સ્ક્રીનશોટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને દલીલ કરી હતી કે આરોપી અને ફરિયાદી વચ્ચે પ્રેમ સંબંધ હતો. ભોગ બનનારે સામેથી ઓફર કરી હતી અને સંબંધો આગળ વધ્યા હતા. જે દલીલ માન્ય રાખી અત્રેની સેશન્સ કોર્ટે આરોપીને શરતોને આધીન રૂ. 15000 ના જામીન આપ્યા હતા. 


જો કે જામીન પર છૂટ્યા બાદ આરોપી ગુજરાત રાજ્યની હદ છોડી શકશે નહિ અને દર મહિનાની 01 થી 10 તારીખમાં સંબધિત પોલીસ મથકે હાજરી પૂરવાની રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube