Surat: રવિવારે મુખ્યમંત્રીએ પાલ ઉમરા બ્રીજનું લોકાર્પણ કર્યું, માત્ર ચાર દિવસમાં ટાઇલ્સ ઉખડી ગઈ
સુરતમાં 90 કરોડના ખર્ચે બનેલા પાલ ઉમરા બ્રીજનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ માત્ર ચાર દિવસમાં બ્રીજની ટાઇલ્સ ઉખડી જતાં અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
ચેતન પટેલ સુરતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવાર એટલે કે 11 જુલઈએ સુરતમાં પાલ ઉમરા બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. બ્રીજ બનાવવાનો ઇરાદો લોકોની મુશ્કેલી ઓછો થાય તે હતો. પરંતુ આ બ્રીજના લોકાર્પણના હજુ માંડ ચાર દિવસ થયાં ત્યાં બ્રીજ પર લાગેલી ટાઇલ્સ ઉખડી ગય છે. ટાઇલ્સના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. હવે તંત્ર દ્વારા પાલ ઉમરા બ્રીજ પર ટાઇલ્સનું રિપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.
બ્રીજ સિટીની ઓળખ ધરાવતા સુરત શહેરમાં પાછલા રવિવારે 115મો અને તાપી નદી પર 14મો બ્રીજ મળ્યો હતો. આ પાલ-ઉમરા બ્રીજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો ફાયદો થશે. 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રીજને તૈયાર થતાં 16 વર્ષ લાગી ગયા હતા. પરંતુ આ બ્રીજનું લોકાર્પણ થતાના થોડાક જ કલાકોમાં લોકોનો ભારે ઘસારો આ બ્રીજ પર જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ ‘બિન્દાસ રીતે ફરતા લોકોને રોકવામાં નહિ આવે તો ત્રીજી વેવ ધાર્યા કરતા જલ્દી આવશે’
અહીં લોકો પોતાના પરિવારો સાથે આવી પહોચ્યા હતા અને બ્રીજ પર હળવાશની પળો માણી હતી અને સેલ્ફી પણ લીધી હતી. પરંતુ કેટલાક ઈસમોએ કરોડોના ખર્ચે બનેલા બ્રીજ પર પાન માવાની પિચકારી મારી ગંદકીથી ખદબદતો કરી દીધો હતો. જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રીજ પર વેઠ ઉતારવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. પાલ ઉમરા બ્રિજ પર ઉપરના ટાઇલ્સ ઉઘડી જતા તેને સાંધા મારવાનું વારો આવ્યો છે.
બે દિવસમાં જ લોકોએ તૂટેલા ટાઇલ્સના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ટાઇલ્સ ઉઘડેલા અને જોઇન્ટર પણ વ્યવસ્થિત નહીં હોવાથી ફરી રિપેરીંગ હાથ ધરાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube