સુરતમાં ચૂંટણી જીતવા કોંગ્રેસને લોખંડના ચણા ચાવવા પડશે, એસસી સેલના પ્રમુખ ભાજપમાં જોડાયા
- સુરતમાં વોર્ડ નંબર 1ના ઉમેદવાર તપન રાણા પણ ભાજપમાં જોડાયા
- સુરતમાં ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે લોખંડના ચણા ચાવવા જેવી બાબત બની
- એસસી સેલના પ્રમુખ કિરીટ રાણા 500 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
ચેતન પટેલ/સુરત :કોંગ્રેસને ચૂંટણી પહેલા સૌથી મોટો ફટકો સુરત (surat) માં પડ્યો છે. કોંગ્રેસને પાસ સાથે લીધેલો પંગો ભારે પડ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં કોંગ્રેસના અનેક ઉમેદવારો ફોર્મ પરત ખેંચી ચૂક્યા છે, તો અનેક કાર્યકર્તાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. ત્યારે આજે સુરતમાં કોંગ્રેસને સૌથી મોટો ખાડો પડ્યો છે તેવુ કહી શકાય. સુરત કોંગ્રેસ (congress) ના એસસી સેલના પ્રમુખ ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો : રાજકારણે કાકા-ભત્રીજાને એકબીજાના વેરી બનાવ્યા, અમદાવાદમાં ખોખરા વોર્ડમાં આરપારનો જંગ
સુરતમાં કોંગ્રેસના એસસી સેલના પ્રમુખ કિરીટ રાણા પોતાના 500 થી વધુ કાર્યકરો સાથે ભાજપ (BJP) માં જોડાયા છે. તેમનુ કહેવુ છે કે, તેઓએ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું બરાબર સ્વાગત ન કરતા તેમની ટિકિટ કાપવામાં આવી છે. તેથી તેઓએ પક્ષ તરફી નારાજગી દર્શાવી હતી અને કોંગ્રેસમાં રાજીનામુ આપ્યું છે. તેઓએ કોંગ્રેસમાં આપેલા રાજીનામાની હોળી કરી હતી. તો સાથે જ કહ્યું કે, તેઓ કોંગ્રેસમાં 20 વર્ષથી સેવા આપી રહ્યા હતા, તેમ છતા પક્ષે તેમની કદર ન કરી અને ટિકિટ ન આપી. કોંગ્રેસે મારી ટિકિટ કાપી છે. તેથી હવે તેઓ ભાજપમાં જોડાઈને કોંગ્રેસને હરાવવાના તમામ પ્રયાસો કરશે. મારી સાથે ભાજપમાં 500 કાર્યકર્તા જોડાયા છે. તો સુરતમાં વોર્ડ નંબર 1ના ઉમેદવાર તપન રાણા પણ ભાજપમાં જોડાયા છે. આમ કોંગ્રેસના અનેક મોટા માથા ભાજપમાં જોડાઈ રહ્યાં છે.
આ પણ વાંચો : દિપક બાબરીયાની ચોખ્ખી વાત, ગુજરાત કોંગ્રેસમાં ચાલતી પોલમપોલ અંગે હાઇકમાન્ડને રિપોર્ટ કરીશ
આમ, કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડી રહ્યાં છે. જેથી સુરતમાં ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે લોખંડના ચણા ચાવવા જેવી બાબત બની ગઈ છે. આ કપરા ચઢાણ કોંગ્રેસ પાર કરશે કે નહિ તે જોવું રહ્યું.
સુરત મહાનગર પાલીકાની 120 બેઠક પર કુલ 484 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપમાં 120, કોગ્રેસમાં 117, આપ પાર્ટીમાઁથી 114, અપક્ષ 55 અને અન્ય પક્ષના 78 ઉમેદવાર મેદાનમાં છે. આજે કોગ્રેસના બે ઉમેદવાર સહિત કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.