ચેતન પટેલ/સુરત :ક્રાઈમ સિટી સુરતમાં ગુનાઓ અંકુશમાં આવી નથી રહ્યાં, સતત બનાવો વધી રહ્યાં છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાના બનાવો સામે આવ્યા છે. શહેરના પંડોળ વિસ્તારમાં મોડી રાત્રે રત્નકલાકારની હત્યા કરવામાં આવી હતી. જ્યારે લાલગેટ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે અન્ય એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેર હવે ડાયમંડ નગરીની સાથે ગુનાખોરી નગરી તરીકે પણ ઓળખ ધરાવી રહી છે. કારણ કે છેલ્લા 24 કલાકમાં સુરતમાં ત્રણ જેટલા હત્યાઓના બનાવને પગલે સુરત પોલીસ દોડતી થઈ છે. વાત છે સુરતના લાલ ગેટ વિસ્તારની. જ્યાં લીમડા ચોક વિસ્તારમાં મોડી રાતે એક યુવાન બેગ લઈને ફૂટપાથ ઉપર સુઈ રહ્યો હતો. દરમિયાન ત્રણ જેટલા ઈસમો આ યુવક પાસે આવ્યા હતા અને તેની બેગમાં જે પણ વસ્તુ હોય તે આપવા માટે જણાવ્યું હતું. જો વસ્તુ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જેથી યુવકે પોતાની પાસેની બેગ આ યુવાનને આપી દીધી હતી. જોકે આ બેગમાં એક પણ વસ્તુ ન હોવાને કારણે આ ત્રણેય યુવાનો ત્યાંથી જતા રહ્યા હતા. પરંતું મળેલી ધમકીના પગલે યુવક ગભરાઈ ગયો હતો અને આ ત્રણેય તેની હત્યા કરી નાંખશે તેઓ ભય ઉભો થયો હતો. 



હત્યાના થવાની બીકના પગલે આ યુવકે ત્રણ પૈકી એક યુવક એકલો જઈ રહ્યો હતો ત્યારે તેને રોડ પર પડેલા લાકડા વડે અન્ય યુવાનના માથામાં હુમલો કર્યો હતો ત્રણ ત્રણ વાર લાકડા વડે હુમલો કરતા આખરે લાકડું પણ તૂટી ગયું હતું અને યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. 


આ ઘટના બાદ આરોપી ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લાલ ગેટ પોલીસ તેમજ ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી યુવકનું નામ અરવિંદ પટેલ છે, જે સુરતમાં રહીને છૂટક મજૂરીકામ કરે છે. તે મૂળ ગોધરાનો રહેવાસી છે. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને બાદમીના આધારે આ હથિયારાને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.