ચેતન પટેલ/સુરત :સુરતના મહિધરપુરા હીરાબજારમાં વિસ્તારમાં હજારો લોકો સામે પેમેન્ટ આપવા જતા યુવાન પાસેથી રૂ 4.65 લાખ ભરેલી બેગ તફડાવીને આરોપી ફરાર થઇ ગયા હતા. નજીકમાં જ ઓફિસ ધરાવતા વેપારીને ત્યાં ચાલતા જતા યુવાન સાથે એક અજાણ્યો અથડાયા બાદ કોઈ પાછળ બોલાવે છે તેવો ભાસ થયો હતો. તેણે પાછળ જોયું તો ત્યારે જ આગળ ચાલતો યુવાન થેલી લઇ ભીડમાં ભળી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ ભરૂચના નેત્રંગના કોઈલી માંડવીનો વતની અને સુરતમાં રાંદેર રોડ નવયુગ કોલેજની સામે કોટીયાક નગરમાં રહેતો 22 વર્ષીય સંજય મનુભાઈ વસાવા મહિધરપુરા હીરાબજાર જદાખાડીમાં કેતન શાહના હીરાના કારખાનામાં છેલ્લા આઠ મહિનાથી નોકરી કરે છે. જદાખાડી ક્રિષ્ણા બિલ્ડીંગમાં જ ઓફિસ ધરાવતા હીરા વેપારી નવીનભાઈ સિદ્ધપરાને ત્યાં તે અવારનવાર પેમેન્ટ આપવા જતો હોય છે. ગત સાંજે કેતનભાઈએ તેને રૂ.4,65,400 કાળી થેલીમાં આપી નવીનભાઈને આપવા મોકલ્યો હતો. નજીકમાં જ નવીનભાઈની ઓફિસ હોય સંજય ચાલતો જતો હતો. ત્યારે જદાખાડી મેઇન રોડ ઇવા સેફ નામના સેફ વોલ્ટની સામે એક તરફથી ત્રણ યુવાનોએ અને બીજી તરફથી બે યુવાનોએ તેને ઘેરી લીધો હતો.


એક યુવાન તેના ખભાના ભાગે અથડાયા બાદ સંજયને લાગ્યું કે કોઈ તેને પાછળથી બોલાવે છે. આથી તેણે પાછળ જોયું તે દરમિયાન આગળ ચાલતો અજાણ્યો શખ્સ તેના હાથમાંથી રૂ.4.65 લાખ ભરેલી થેલી ઝુંટવી ભીડમાં ભળી અન્યો સાથે ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગે સંજયે કેતનભાઈને જાણ કર્યા બાદ મોડીરાત્રે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.