ગૃહરાજ્યમંત્રીના શહેરમાં જ બુટલેગરો બેફામ, સુરતમાં એક બુટલેગરે પોલીસની આખી ટીમને દોડાવ્યા
Surat News : શું બુટલેગરોને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો. આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે. બુટલેગરો પોલીસ પર પણ હુમલો કરતા હવે અચકાતા નથી. કોની રહેમ નજરથી ગુજરાતમાં બુટલેગરોનો બિઝનેસ ફુલ્યોફાલ્યો છે
સુરત :ગુજરાતમાં સૌથી વધુ ક્રાઈમ સુરત શહેરમાં જોવા મળે છે. સુરતમાં જાણે લોકોને કાયદાનો ડર નથી રહ્યો. તો બીજી તરફ પોલીસ પર ગુનેગારોનો કોઈ અંકુશ નથી રહ્યો. ખુદ ગૃહારાજ્યમંત્રીના શહેરમાં જ ડ્રગ્સ-દારુનું વેચાણ થઈ રહ્યું છે. લાગે છે સુરતમાં ગુનેગારોને કાયદાનો ડર નથી રહ્યો. ત્યારે વધુ એકવાર મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે.
સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં વિદેશી દારૂ આવી રહ્યો છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એક કાર પસાર થતા જ પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ બુટલેગરે કાર પૂરઝડપે હંકારી દીધી હતી. આ સમયે ફિલ્મી દ્રષ્યો જોવા મળ્યા હતા. પોલીસે કારને ઝડપી લેવા અલગ અલગ વાહનોથી પીછો કર્યો હતો, તો બીજી તરફ કાર ચાલકે પોલીસથી બચવા બાઈક પર પીછો કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી. જેમાં સદનસીબે બંને જવાનો બચી ગયા હતા. પણ બાઈકને નુકસાન પહોચ્યું હતું, બુટલેગર કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો, અને ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક કાર મૂકી ભાગી હતો. હાલ ઉમરપાડા પોલીસે કાર જપ્ત કરી લીધી છે. કારની તલાશી લેતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત તરફ આવી રહ્યું છે વાદળોનું ટોળું, ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ
બુટલેગરોને પોલીસ કે કાયદાનો ડર નથી
સોમવારના સાંજના સમયે પોલીસ અને ઉમરપાડા પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા જેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે કે શું બુટલેગરોને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો. આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે કેવી રીતે જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. બુટલેગરો પોલીસ પર પણ હુમલો કરતા હવે અચકાતા નથી. કોની રહેમ નજરથી ગુજરાતમાં બુટલેગરોનો બિઝનેસ ફુલ્યોફાલ્યો છે. હાલ તો ઉમરપાડા પોલીસે વિદેશી દારૂ અને કાર જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે. પણ પોલીસને હવે બેફામ થયેલા બૂટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.