તેજશ મોદી/સુરત :સુરતના સરથાણામાં કારમેળાના માલિકને વોટ્સએપ પર મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગનારની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ એ જ આરોપી છે જેણે પાંચ દિવસ પહેલા કારમેળાના ભાગીદારને પિસ્તોલ બતાવીને તેની કાર લૂંટીને નાસી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના જણાવ્યા અનુસાર, મોટા વરાછામાં આવેલી આનંદવાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા સંજય ભીખાભાઈ કાવઠિયા કાર લે-વેચનું કામ કરે છે. તેઓ ભાગીદાર દિલીપ રાખોલિયા સાથે ભાગીદારીમાં સીમાડા-કેનાલ રોડ પર કુબેર કાર મેળા નામથી કાર લે-વેચનું કામ કરે છે. અજાણ્યા નંબર પરથી તેમના ફોન પર વોટ્સ પર ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો. 


હિન્દીમાં ધમકીભર્યો મેસેજ
મેસેજમાં લખ્યું હતું કે, ‘યે 22 વાં મર્ડર હોનેવાલા થા પર તુમકો છોડ દિયા, તુમકો મારને કે લિયે 10 લાખ મિલ રહા હૈ, અગર તુઝકો જિંદા રહના હૈ તો 50 લાખ ચાહિયે. અગર તુ સોચ રહા હૈ કિ કાર ચોરી કરને આયા થા, તો ગલત સોચ રહ હૈ. તુમકો મારને કે લિએ આયા થા. પર બંદુક સે ગોલી નહીં નીકલી. તુ અગર સોચ રહા કે પુલિસ બચા લેગી, તો તુ ગલત સોચ રહા હૈ. ક્યુ કી પોલીસ ભી હમ હૈં, પુલિસ ક્યા કર રહી હૈ ઓર ક્યા કરેગી મુઝે સબ પતા હૈ. જ્યાદા હોશિયારી કી તો તેરા, તેરી બીબી બચ્ચોં કા ક્યા હોગા? ઇસબાર સીધા ગોલી મારુંગા તેરે લિએ તો એક હી બુલેટ કાફી હૈ. મેરા નામ સત્તાર હૈ.’ 


આ પણ વાંચો : big breaking : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ અને ટાઈમટેબલ જાહેર


આ બાબતે સંજય કાવઠિયાએ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ફોન નંબરના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ મનીષ સુનીલ નાયક છે. તેની પાસેથી પોલીસે એક પિસ્તોલ, પાંચ કાર્ટીઝ, એક ફેન અને ચાર સીમકાર્ડ કબજે કર્યા છે. ચાર દિવસ પહેલા આરોપી મનીષ કાર મેળામાં કાર ખરીદવા માટે ગયો હતો. ત્યાં સંજય કાવઠિયાના ભાગીદાર દિલીપ રાખોલિયાને પિસ્તોલ બતાવીને કાર લૂંટીને નાસી ગયો હતો. 


ક્રાઈમ બ્રાન્ચે મનીષ વિરુદ્ધ આર્મ્સ એક્ટની વધુ એક ફરિયાદ દાખલ કરી છે. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે વર્ષ 2016 થી સુરતમાં રહીને મજૂરી કરે છે. રાકેશ ચૌટાણી નામના ઇસમ સાથે રૂપિયાની લેવડદેવડમાં માથાકુટ ચાલતી હતી. તે પોતાને મારશે તેવી બીક હોવાથી મનીષે તેના મિત્ર અશોક પાંડે પાસેથી પિસ્તોલ ખરીદી હતી. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી શોર્ટકર્ટમાં રૂપિયા કમાવવા તેણે પહેલા કાર લૂંટી પછી ખંડણી માટે ધમકી આપી હતી. આરોપીએ ઓનલાઇન કુબેર કારમેળાનો નંબર મેળવીને ધમકી આપી હતી કન્ટ્રોલ રૂમના એસીપી ઈશ્વર પરમારે જણાવ્યું.