સુરતના ડ્રાયફ્રુટ ચોર દાદા મળી ગયા... તેમની ટીમની કૌભાંડ કરવાની સ્ટાઈલ જાણીને છક થઈ જશો
Surat Crime News : સુરતમાં 80 હજારના ડ્રાયફ્રુટ ચોરીની ઘટના બાદ સીસીટીવી ફુટેજને આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ખટોદરા પોલીસે ગોકળદાસ અઢીયા, સિધ્ધીકા રાઉત અને વિકાસ કદમની પુણેથી ધરપકડ કરી
તેજશ મોદી/સુરત :ગુનો કરવાની કોઈ ઉંમર હોતી નથી. અનેક એવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે, જેમાં વૃદ્ધ પુરુષો તથા વૃદ્ધ મહિલાઓ ગુનો આચરવામાં ઉંમર જોતા નથી. તાજેતરમાં સુરતમાં બનેલી આવી જ એક ઘટનાએ સુરત પોલીસને ચોંકાવી દીધી હતી. જેમાં 75 વર્ષના વૃદ્ધ ડ્રાયફ્રુટની ખરીદી કરી પેમેન્ટ નહીં આપી નાસી ગયા હતાં. સુરત પોલીસે વૃદ્ધ વ્યક્તિ અને એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
સુરતના ભટાર વિસ્તારમાં આવેલી ડ્રાયફ્રુટની દુકાનના માલિક હિતેશ સંખલેચાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 30 મી મે ના રોજ સાંજના એક આશરે 70 વર્ષની ઉંમરના એક દાદા અને 50 વર્ષની ઉમરની એક મહિલા તેમની દુકાન પર આવ્યા હતાં. તેમને પોતાની ઓળખ જલારામ મંડલ વીરપુરના મુખિયા તરીકેની આપી હતી. તથા તેમની હેડ ઓફિસ મહારાષ્ટ્ર થાણે સાધામ સોસાયટી પ્લોટ નં.૪૬, રૂમ નં.૧૦૧, પહેલો માળ રામચંદ નગર થાને વેસ્ટ ખાતે આવેલ હોવાનુ જણાવ્યુ હતું. તેઓને પ્રસાદ રૂપે વહેંચવા માટે વધારે જથ્થામાં ડ્રાયફ્રુટની જરૂર હોવાનું જણાવી તેમને 66 કિલો કાજુ 49,310 રૂપિયાની કિંમતના તથા 42 કિલો બદામ રૂપિયા 28,673, તથા 1 કિલો અખરોટ રૂપિયા 1100 મળીને કુલ રૂપિયા 79083 નો ઓર્ડર આપ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતમાં આ ચોમાસામાં વીજળી પડવાની પહેલી ઘટના, ચાલુ બાઈકમાં જ યુવક પર તૂટી પડી વીજળી, જુઓ મોતનો Video
તેમના ઓર્ડર મુજબનો માલ પેક કરાવીને તેમની સામે રાખ્યુ હતુ અને માલનુ કોમ્પયુટરાઇઝ્ડ બિલ બનાવ્યું હતું. તેમણે જલારામ મંડળના નામે બિલ બનાવવાનું જણાવ્યું, બિલ બની ગયા પછી તેમને મહારાષ્ટ્ર પાર્સીંગ ફોરવ્હીલર ગાડી રજી. નંબર MH-04-JU-7288 મા મુકી દેવા કહ્યું હતું, જેથી દુકાનમાં કામ કરતાં વ્યક્તિએ ડ્રાયફ્રુટનો સામાન તેમણે જણાવેલી ગાડીમાં મુકાવી દીધો હતો. વૃદ્ધે માલનુ પેમેન્ટ ચેક મારફ્તે કરવાનું કહ્યું હતું. જોકે ચેક જલારામ મંડળનો ન હતો, પર્સનલ ખાતાનો ચેક હોવાથી, તેઓએ કેશ પેમેન્ટ કરવા કહ્યુ હતું. જેથી તેમણે ‘ગાડીમાંથી લાવીને આપુ છુ’ તેમ જણાવી ફોરવ્હીલર પાસે ગયા હતાં અને પછી ગાડીમાં બેસી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
દુકાનદારે આ ગાડીની પાછળ દુકાનના માણસોને દોડાવ્યા હતા, પરંતુ વૃદ્ધ કે મહિલાનો કોઈ પત્તો મળ્યો ન હતો. વૃદ્ધ વ્યક્તિએ આપેલા મોબાઇલ નંબર પર વાત કરતા ‘દસ મીનીટમાં આવુ છુ’ તેમ જણાવ્યુ હતું. જેના બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. આમ વૃદ્ધ વ્યક્તિ અને તેની સાથે આવેલી મહિલાએ અંદાજે 80,000નું ડ્રાયફ્રુટ ખરીદી પેમેન્ટ ન આપી છેતરપીંડી કરી હતી.
આ પણ વાંચો : પ્રવાસીઓ માટે બંધ થવા જઈ રહ્યાં છે ગીર જંગલના દરવાજા, 4 મહિના સિંહદર્શન નહિ કરી શકો
ગજબની મોડસ ઓપરેન્ડી
સમગ્ર મામલે ખટોદરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજને આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ખટોદરા પોલીસે ગોકળદાસ અઢીયા, સિધ્ધીકા રાઉત અને વિકાસ કદમની પુણેથી ધરપકડ કરી હતી. આ વિશે ઝોન-3ના ઈન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમે તપાસના આધારે જણાવ્યું કે, આ તમામ લોકોની એક ગેંગ છે, જે અલગ અલગ શહેરમાં ફરીને આ પ્રકારે છેતરપીંડી કરતાં હતાં. વૃદ્ધ અને મહિલા પોતાની સાથે બાળક રાખીને ચિટિંગ કરતા હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે, આ ગેંગની મુખ્ય સૂત્રધાર એક મહિલા છે. જે વૃદ્ધો અને ટેક્સી ડ્રાઈવર સાથે તેમજ નાના બાળકોને ચોરી કરવા માટે સાથે લઈને જતા હતા. જેથી દુકાનદાર અથવા વેપારીને ખ્યાલ ન આવે કે આ લોકો ચિટિંગ કરી રહ્યા છે. સંસ્થાના નામે ઈમોશનલ રીતે કોઇ વસ્તુ અથવા કોઇ કિંમતી સામાન લઈ અને ગાયબ થઈ જતા હતા.