Surat : કાપડ બજારમાં લાખોનું ઉઠામણું કરીને વેપારીઓ ભાગી ગયા
સુરતના સલાબતપુરા પોલીસ મથકના તમામ પોલીસકર્મીઓની બદલીની કાર્યવાહી બાદ હવે અન્ય પોલીસકર્મીઓ દોડતા થયા છે. જેમાં સલાબતપુરા માલીની વાડી ખાતે વેપાર કરતા 3 વેપારીએ કાપડ પર જોબવર્ક કરાવી મજુરીના 68.18 લાખ ના ચૂકવી દુકાન બંધ કરી ઉઠામણું કરી નાસી ગયા હતા. 3 પૈકી 1 આરોપી મુંબઈ હોવાની માહિતી મળતા પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે.
તેજશ મોદી/સુરત :સુરતના સલાબતપુરા પોલીસ મથકના તમામ પોલીસકર્મીઓની બદલીની કાર્યવાહી બાદ હવે અન્ય પોલીસકર્મીઓ દોડતા થયા છે. જેમાં સલાબતપુરા માલીની વાડી ખાતે વેપાર કરતા 3 વેપારીએ કાપડ પર જોબવર્ક કરાવી મજુરીના 68.18 લાખ ના ચૂકવી દુકાન બંધ કરી ઉઠામણું કરી નાસી ગયા હતા. 3 પૈકી 1 આરોપી મુંબઈ હોવાની માહિતી મળતા પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે.
કતારગામમાં લલીતા ચોકડી પાસે શંકર નગર સોસાયટીમાં રહેતા નીતિન મનસુખ નારોલા કતારગામમાં મજુરી પર જોબવર્કનું કામ કરે છે. તેમના એક સંબંધીના માધ્યમથી અઢી વર્ષ પહેલા નીતિનની ઓળખ સલાબતપુરામાં માલીની વાડી ખાતે કાપડનો વેપાર કરતા અકરમ મોહંમદ ઉર્ફે સલમાન સફી નાગાણી સાથે થઈ હતી. તે સમયે અકરમે જણાવ્યું કે, ભાગીદાર આઝમ માંકડા અને જવાદ ઉર્ફે રાજુ સાથે ભાગીદારીમાં સિલ્ક બ્રાઇડલ નામથી સાડીનો વેપાર કરે છે. તેઓ અલગ-અલગ જગ્યાએ હેન્ડવર્ક અને એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવીને તેમનું સમયસર પેમેન્ટ કરી દે છે. તેથી નીતિન નારોલાએ પણ તેમને ઉધારમાં જોબવર્ક કરાવી આપવાની હા પાડી હતી. ત્રણેય વેપારીએ નીતિન પાસે જોબવર્ક કરાવી મજુરીના 28.21 લાખમાંથી માત્ર 1.51 લાખ ચૂકવ્યા હતા. પરંતુ 26.70 લાખ રૂપિયા ચૂકવ્યા ન હતા. આ આરોપી રૂપિયા ચૂકવ્યા વગર ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : 5 વર્ષથી બંધ ગુજરાતની આ ફેમસ જગ્યા 6 ફેબ્રુઆરીથી મુસાફરો માટે ખૂલશે, પણ શરતો લાગુ
એક મહિનાથી ત્રણેય આરોપીઓ નાસતા ફરે છે. તે પૈકી એક આરોપી આઝમ અબ્દુલ્લા માંકડા મુંબઈમાં હોવાનું સુરત પોલીસને માહિતી મળી હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એ.ચૌધરીના માર્ગદર્શનમાં એક ટીમ મુંબઈ જઈને આરોપી આઝમ માંકડાને પકડી લાવી છે. ત્રણેય આરોપીઓ દુકાન બંધ કરીને ઉઠામણું કરીને નાસી ગયા હતા. ત્રણેય વેપારીઓએ અન્ય વેપારીઓ ચિરાગ પ્રવિણ ચોવટિયા પાસેથી જોબવર્ક કરાવીને તેમની મજુરીના 24.41 લાખ અને વિનુભાઈ રામજી મોરજા પાસેથી જોબવર્ક કરાવીને તેના પણ 17.07 લાખ ચૂકવ્યા ન હતા. નીતિન નારોલાએ આરોપી અકરમ મોહમદ ઉર્ફે સલમાન સફી, આઝમ અબ્દુલ્લા માંકડા અને અને જવાદ ઉર્ફ રાજુ જાકિર નુરાની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.