ચેતન પટેલ/સુરત :સુરત જાણે ગુનેગારોની નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ કમિશનર રાત્રે સાયકલ પર પેટ્રોલિંગમાં નીકળી રહ્યા છે તો બીજી તરફ ગુનેગારો પેટ્રોલિંગ વચ્ચે પણ ગુનાને અંજામ આપતા અચકાતા નથી. ત્યારે વધુ એક આવા જ કિસ્સાને કારણે સ્થાનિકોમાં ભયનો મહોલ છવાઈ ગયો હતો. સુરતના રીંગરોડને અડીને આવેલા માન દરવાજા સી ટેનામેન્ટમાં જાહેરમાં મોડી સાંજે મહિલા પર બે અજાણ્યા ચાર રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા. મહિલાને થાપા, હાથ અને છાતીમાં ઈજા થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મહિલાનો આર્મીમેન પતિ સાથે છેલ્લા ચાર વર્ષથી છૂટાછેડાનો કેસ ચાલતો હોય ફાયરીંગ પતિએ કરાવ્યાની આશંકા તેણે પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રની વતની અને હાલ સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી નંદીની મોરેનો છેલ્લા 4 વર્ષથી પતિ સાથે વિખવાદ ચાલતો આવે છે. નંદીની સાંજે 6.30 ના અરસામાં ભાણેજ યોગીતા અને અન્ય એક મહિલા સાથે દવાખાનેથી પરત ઘરે જતી હતી, ત્યારે બંબાગેટની પાછળની ગલીમાં બાઈક પર આવેલા બે અજાણ્યા તેના પર ચાર રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા. ગણતરીની ક્ષણોમાં થયેલા ફાયરીંગમાં નંદીનીને થાપા, ડાબા હાથ અને છાતીમાં ડાબી બાજુ નીચે ઇજા થઈ હતી. તો એક ગોળી તેના હાથના પંજામાંથી આરપાર નીકળી જતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. 


આ પણ વાંચો : PM મોદીના રોડ શોમાં બહુગાજેલી કેસરી ટોપી બની છે સુરતમાં, ડિઝાઈન પાછળ છે ભાજપના દિગ્ગજ નેતાનો આઈડિયા   


અત્યંત વ્યસ્ત રીંગરોડને અડીને આવેલા માન દરવાજા સી ટેનામેન્ટમાં જાહેરમાં સમીસાંજે બનેલી ફાયરીંગની ઘટનાને પગલે સલાબતપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી એક કારતૂસ મળી આવી હતી. નંદીનીનો પતિ વિનોદ આર્મીમાં ફરજ બજાવે છે અને હાલ તે નાંદેડમાં છે. તેમના લગ્ન વર્ષ 2010 માં થયા હતા. જોકે, પ્રેગનન્સી રહેતી ન હોય તેમની વચ્ચે વિખવાદ શરૂ થયો હતો અને ચાર વર્ષ અગાઉ નંદીનીએ સુરત પિયરમાં આવી છૂટાછેડાનો કેસ કર્યો હતો. નંદીનીનો પતિ આઠ દિવસ અગાઉ જ મુદત હોઈ સુરત આવ્યો હતો. 


પોલીસની પૂછપરછમાં નંદીની અને પરિવારજનોએ અવારનવાર ધમકી આપતા વિનોદે અગાઉ અપહરણનો પ્રયાસ કર્યો હતો તેવું પણ જણાવી ફાયરીંગ તેણે કરાવ્યાની આશંકા વ્યક્ત કરી છે. સલાબતપુરા પોલીસે આ અંગે ગુનો નોંધવા અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.