સુરતમાં ક્રાઈમની દશા અને દિશા બંને બદલાઈ, હવે પાન-મસાલાની પણ ચોરી થવા લાગી
ક્રાઇમ સિટી (crime city) બનેલા સુરતમાં ગુનેગારો અલગ અલગ વસ્તુઓની ચોરી કરે છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ (crime branch) ની ટીમે સલાબતપુરામાંથી થોડા દિવસ અગાઉ ટોબેકોના ગોડાઉનમાં થયેલી ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે 6.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
તેજશ મોદી/સુરત :ક્રાઇમ સિટી (crime city) બનેલા સુરતમાં ગુનેગારો અલગ અલગ વસ્તુઓની ચોરી કરે છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ (crime branch) ની ટીમે સલાબતપુરામાંથી થોડા દિવસ અગાઉ ટોબેકોના ગોડાઉનમાં થયેલી ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે 6.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાએ જણાવ્યું હતું કે, હાલમાં ખાસ કોમ્બિંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન યુનિક હોસ્પિટલના બી.આર.ટી.એસ ચાર રસ્તા ઉપરથી એક ઓટો રિક્ષા (GJ-05-BW-9812) માં અલગ-અલગ સિગારેટના બોક્સ તેમજ રજનીગંધાના બોક્સ સાથે બે શખ્સ પસાર થઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસને 6 લાખથી વધુનો ટોબેકો મળી આવ્યો હતો.
આ પણ વાંચો : ભાજપમાં નેતૃત્વ પરિવર્તન પર ઉઠેલી ચર્ચાઓ પર સીઆર પાટીલે મૂક્યું પૂર્ણવિરામ, કહી મોટી વાત
આ ઘટનામાં ચેતન કાંતીભાઇ સોલંકી (ઉવ.32 ધંધો- રીક્ષા ડ્રાઇવીંગ રહે પ્લોટ નં. 10 હરીદર્શન સોસાયટી અમરોલી સુરત મુળગામ-ગામ-ગભાણા તા.કેવડીયા જી.નર્મદા) અને ફેનિલ નુતન સોલંકી (ઉવ. 21 રહે-એજન રામનગર સોસાયટી અમરોલી) પકડાયા છે. બંનેની આકરી પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ ટોબેકો નિકુંજ ટ્રેડસની દુકાનના ગોડાઉનમાંથી ચોરી કર્યો હતો. આ સાથે જ તેમણે બીજી અલગ-અલગ વસ્તુની ઘરફોડ ચોરી કરી હોવાનું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ મુદ્દામાલ સિવિલ હોસ્પિટલમાં આવેલા અવાવરૂ જગ્યાએ સંતાડવા માટે જતા હોવાની કબૂલાત પણ કરી.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં સ્મશાનમાં ફરકાવાયો ત્રિરંગો
પકડાયેલ આરોપી ચેતન સોલંકી અગાઉ એપ્પલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. પોતાને સિગારેટ તેમજ રજનીગંધા આર.એમ.ડીનું વ્યસન હોવાથી તે નજીકની દુકાનમાં સિગરેટ-તમાકુ લેવા જતો હતો. ત્યારબાદ ફેનીલ તેમજ રણજીત ઉર્ફે કેળો સાથે મળી ચોરી કરવા માટે દિવસ દરમિયાન રેકી કરતા હતા. તારીખ 25 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી સિગારેટ તેમજ રજનીગંધા, આર.એમ.ડી ટોબેકોની ચોરી કરી હતી. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ ગુનામાં વધુ એક આરોપી પણ ઘટનામાં સામેલ છે. જોકે રણજીતકુમાર ઉર્ફે કેળો વિજયકુમાર હાલ અમરોલી પોસ્ટેના ચોરીના ગુનામાં લાજપોર જેલમાં છે, જેની બાદમાં ધરપકડ કરવામાં આવશે.