ચેતન પટેલ/સુરત :મોબાઈલ ફોન અને ગેમની લત બાળકો પર એવી હાવિ થઈ રહી છે કે, હવે ક્યાંક તો તેઓ પોતાનો જીવ લે છે, અથવા બીજાનો જીવ લઈ રહ્યાં છે. સુરતમાં મોબાઇલ ફોનની લાલસાથી તમારા સંતાનોને બચાવી રાખો. લખનઉમાં PUBG ના રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી હતી, જે કિસ્સો આખા દેશમાં ચર્ચાયો હતો. ત્યારે સુરતમાંથી એક નહિ, બે કિસ્સા ચોંકાવી દે તેવા છે. સુરતમાં મોબાઇલ ફોનના વળગણે બે સગીરના જીવ લીધા છે. સુરતના લિંબાયતમાં માતાએ મોબાઈલ માટે ઠપકો આપતાં કિશોરે ફાંસો ખાધો છે, તો ડિંડોલીમાં ફોન રિપેર ન થતાં કિશોરીએ આત્મહત્યા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ કિસ્સો-1
લિંબાયત વિસ્તારમાં રહેતો 17 વર્ષીય અશરફે ધોરણ-10 ના અભ્યાસ બાદ શાળામાંથી ડ્રોપ લીધો હતો, અને હાલમાં જ ધોરણ 11 માં એડમિશન લીધુ હતું. તેના પિતા કિયામુદ્દીન સાડીમાં સ્ટોન લગાવવાનુ કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. અશરફ મોટાભાગનો સમય મોબાઈલમાં ગેમ રમવામાં અને સોશિયલ મીડિયામાં પસાર કરતો હતો. મંગળવારના રોજ તેની માતાએ તેને મોબાઈલ રમતા જોઈને ટોક્યો હતો. જેથી અશરફને ખોટુ લાગી ગયુ હતું. 17 વર્ષીય અશરફે ઘરના પહેલા માળે જઈને ફાંસો ખાઈ લીધો હતો. આ બાદ પોલીસ દોડતી થઈ હતી. જેમાં માતાએ મોબાઈલ તેના મોત માટે કારણભૂત હોવાનુ જણાવ્યુ હતું. 


આ પણ વાંચો : નરેશ પટેલનું આજે કોકડું ઉકેલાશે, કાગવડથી કરશે રાજકારણની ખાસ જાહેરાત


બીજો કિસ્સો-2
અન્ય કિસ્સામાં મોબાઇલ જલ્દી રિપેર થઇને ન આવતા સુરતની એક કિશોરી નાસીપાસ થઇ ગઇ હતી, અને તેને મોતનો રસ્તો અપનાવ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં આવેલ ગણેશ નગરના ખોડલકૃપા નગર સોસાયટીમાં 16 વર્ષીય ઉર્વશી તેના પરિવાર સાથે રહે છે. ઉર્વશીના પિતા રમેશભાઈ ડ્રાઈવર તરીકેની નોકરી કરે છે. ઉર્વશી ધોરણ 10 માં અભાયસ કરે છે, પરંતુ હાલમાં તેણે અભ્યાસમાંથી ડ્રોપ લીધો હતો. ઉર્વશીને મોબાઈલનું વળગણ લાગી ગયુ હતું. તેનો ફોન થોડા સમય પહેલા જ બગડી ગયો હતો. તેથી તેના પરિવારે તે રિપેર કરવા આપ્યો હતો. મોબાઈલ ફોન ન હોવાથી ઉર્વશીનુ મન ઘરમાં લાગતુ ન હતું. મંગળવારે સાંજે ઉર્વશી ઘરમાં એકલી હતી ત્યારે તેણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 


બંને કિસ્સામાં મોબાઈલના વળગણે બે પરિવારના વ્હાલસોયાઓના જીવ લીધા છે. આ બંને કિસ્સા દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સા છે.