ચેતન પટેલ/સુરત :ચાંદી વેચાણ કરી આપવાના બહાને જ્વેલર પાસેથી ચાંદી લઈને તેનું પેમેન્ટ નહીં દંપતીએ ઠગાઈ આચરી હતી. દંપતીએ કુલ  36.54 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ ગુનામાં સુરતના સલાબતપુરા પોલીસે આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના બેગમપુરામાં મૃગવાન ટેકરા વિસ્તારમાં રહેતા મુઝફ્ફર કાદર રંગવાલા પત્ની સાથે મળીને સોના-ચાંદીનો વેપાર કરે છે. આરોપી મુસ્તુફા ઝૈનુલ રંગવાલા અને તેની પત્ની અલીફિયા મુઝફ્ફરના દૂરના સગા થાય છે. તેઓ પણ સોના-ચાંદીનું ટ્રેડિંગ કરે છે. એપ્રિલ 2021માં અલીફિયાએ મુઝફ્ફરની પત્નીને કહ્યું કે, ખુબ જ સારી કિંમતે ચાંદીની પેટી એટલે કે સિલ્વર બારનું વેચાણ કરી સાત દિવસમાં પેમેન્ટ કરી આપશે. અલીફિયા અને તેના પતિ પર વિશ્વાસ થતા મુઝફ્ફરે જાંગડ પર બે સિલ્વર બાર મળીને 47.28 લાખ રૂપિયાની ચાંદી અલીફિયા અને તેના પતિને આપી હતી. 


મુઝફ્ફરે રૂપિયા માંગતા માત્ર 10.75 લાખ જ આપ્યા હતા અને બાકીના 36.54 લાખ આપ્યા ન હતા. તેઓએ ચાંદી પણ પરત કરી ન હતી. તેથી મુઝફ્ફરે અલીફિયા અને તેના પતિ મુસ્તુફા તેમજ તેમને મદદ કરનાર ઇદરીશ ડોક્ટર વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અગાઉ આરોપી ઇદરીશની ધરપકડ કરી હતી. રવિવારે આરોપી મુસ્તુફા અને તેની પત્ની અલીફિયાની પણ ધરપકડ કરાઈ છે.