સંદીપ વસાવા/સુરત :સુરતમાં એક યુવતીએ એવી હિંમત બતાવી કે ચોર ઉભી પૂંછડીએ ભાગ્યો હતો. ચલથાણ વિસ્તારમાં રાત્રિ દરમ્યાન ચોરી કરવા આવેલા તસ્કરોને સેલ્ફ ડિફેન્સથી ચોરોને ભગાડ્યા હતા. ચોરોએ યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી. જોકે ઈજાના કારણે રિયા સ્વાઈન આજે કોલેજની પરીક્ષા આપી ન શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કડોદરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી, લૂંટ, મારામારી, ખૂન જેવી ઘટનાઓ વધી રહી છે. ગત મોડી રાત્રે કડોદરાના ચાલથાણ વિસ્તારની રામકબીર સોસાયટી ચોરો ધાપ મારવા આવ્યા હતા. રામકબીર સોસાયટીના C બ્લોકમાં રહેતા બાબુરામ સ્વાઈનના ઘરે રાત્રિ દરમ્યાન તસ્કરો પ્રવેશ્યા હતા. લાઈટ ગુલ થઈ હતી, ત્યારે ઘરના પાછળના ભાગેથી ચોરો ઘરની અંદર પ્રવેશ્યા હતા. જોકે ઘરના પાછળના ભાગેથી ચોર જ્યારે અંદર પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે રાત્રિના 1.30 કલાકના અરસામાં બાબુરામની મોટી દીકરી રિયા સ્વાઈન, જે સાયન્સ કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે, તે પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તે સમય દરમ્યાન તેને પોતાના ઘરમાં કંઈક ચહલપહલનો અવાજ આવ્યો હતો. પ્રથમ તો તેણે આ આભાસને ઈગ્નોર કર્યો હતો. જોકે ત્યારબાદ ઘરમાં વધુ અવાજ આવતા તે પુસ્તક બાજુમાં મૂકી પાછળના રૂમમાં ગઈ હતી. જ્યાં તેણે પ્રથમ એક નાની ઉંચાઈ ધરાવતા શખ્સ અને અન્ય બીજા બે ચોરોને જોઈ તે એક તબક્કે ચોંકી ઉઠી હતી. જોકે ત્યાર બાદ તેણે ચોર ભગાડવાનો પ્રયાસ કર્યો. જોકે એ જ સમય દરમ્યાન તેની નાની બહેન પણ જાગી ગઈ હતી. એક ચોરના હાથમાં જે ચપ્પુ હતું તેણે રિયાના ગરદન પણ મૂકી દીધું હતું. જોકે ત્યારબાદ હિંમતભેર રિયાએ ડાબા હાથથી ચપ્પુ દૂર કરવાનું પ્રયાસ કર્યો હતો અને તેને ડાબા હાથમાં ઇજા પહોચી હતી. 


આ પણ વાંચો : અમદાવાદ સામૂહિક હત્યામાં મોટો ખુલાસો, વિનોદ મરાઠીની સાસુએ ખોલ્યો ઘરનો મહત્વનો ‘રાઝ’


મહત્વનું છે કે, રાજ્યભરમાં ચર્ચિત બનેલી સરાજાહેર ગ્રીષ્મા હત્યા બાદ યુવતીઓને શાળા હોય કે કોલેજ હોઈ ઠેર ઠેર સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એ પછી રોડ રોમિયો લફંગા હોય કે પછી એકાએક ઘરમાં ઘુસી આવતા ચોરો હોઈ, ઓચિંતા બની પડતી મુશ્કેલી સામે યુવતીઓએ સ્વબચાવ કેવી રીતે કરવો તે હવે જરૂરી બન્યું છે. રિયા સ્વાઈન બારડોલી સાયન્સ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તે પોતે સ્કૂલ સમયથી જ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈ રહી છે. જોકે આ ઘટનાને પગલે તે ઇજાગ્રસ્ત થઇ હતી. રિયાને હાથમાં ચપ્પુ વાગી જતા તેને ૨૪ ટાંકા આવ્યા હતા અને તે લોહી લુહાણ થઇ હતી. જોકે ત્યારબાદ તેને સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેણે પોતાના ઘરે ચોરી થતા બચાવી હતી. ઈજા હોવાને કારણે રિયા આજે પરીક્ષા આપી ન શકી હતી. 


આ પણ વાંચો : બિહારમાં મામી-ભાણેજ વચ્ચે પાંગરેલા પ્રેમનો સુરતમાં કરુણ અંજામ આવ્યો, મામીને ગર્ભ રહેતા જ... 


મહત્વનું છે કે, સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ તે પહેલાથી જ લઈ રહી છે. જોકે આજે આ ટ્રેનિંગની મદદથી તે પોતે અને પરિવાર પર આવી ચઢેલ આફતનો હિંમતભેર સામનો કરી બતાવ્યો છે. પોતાના પરિવારની સુરક્ષા કરી હતી. 


જોકે ચોરીની ઘટનાની જાણ કડોદરા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રિયાનું નિવેદન લઈ સમગ્ર તપાસ આરંભી હતી. જોકે મહત્વનું છે કે, સમગ્ર ઘટનામાં રિયાએ જે રીતે હિંમતભેર ચોરોનો સામનો કરી ચોરોને ઉભી પૂંછડીએ ભગાડ્યા છે, તેને લઈ રિયાની હિંમતના સૌ કોઈ વખાણ કરે છે. આવી હિંમત જો દરેક યુવતીઓમાં હોય તો તેઓ પોતાનો બચાવ જાતે જ કરી શકે. છેડતી, દુષ્કર્મના બનાવો ઘટી જશે અને દીકરીઓ સામે કોઈ આંખ ઉઠાવવાની હિંમત નહિ કરે.