સુરતઃ મહારાષ્ટ્રમાં MLC ની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ હડકંપ મચી ગયો છે. ફરી એકવાર ભાજપે મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષને હરાવીને મોટો ઝટકો આપ્યો છે. આ સ્થિતિની વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ ઊથલપાથલ મચી ગઈ છે. એનું એક કારણ મહારાષ્ટ્રના શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે છે છેલ્લા 24 કલાક કરતા વધારે સમયથી પણ સંપર્ક વિહોણા છે. જો કે આ સમચારમાં આવેલા અપડેટ અનુસાર શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે દ્વારા એક ડેલિગેશન તતત્કાલ રવાના કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નારાજ થઇને સુરત આવી ચુકેલા એકનાથ શિંદે સહિતના 11 ધારાસભ્યોને મનાવવા માટે શિવસેનાએ ધારાસભ્યોનાં એક દળને પ્લેન મારફતે રવાના કર્યા હતા. આ દળ તત્કાલ સુરત એરપોર્ટ પર પહોંચીને નારાજ ધારાસભ્યો જ્યાં રોકાયેલા હોય તેમની સાથે મુલાકાત કરીને તેમને મનાવવા માટેની જવાબદારી સોંપી હતી. જો કે તેમને સુરતમાં ધરમધક્કો પડ્યો હતો. નારાજ થયેલા નેતાઓએ આ તમામને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે આ ધારાસભ્યો તેમને મળ્યા વગર જ પરત ફરવાની ફરજ પડી હતી. અત્રે નોંધનીય છે કે, હાલ શિવસેનાના 25થી વધારે નારાજ ધારાસભ્યો સુરતમાં છે. ત્યારે તેમને મનાવવા માટે આવી પહોંચેલું શિવસેનાનું ડેલિગેશન મુલાકાત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. 


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય ઊથલપાથલના એંધાણને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની આપાતકાલીન બેઠક બોલાવવાની ફરજ પડી છે. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યો સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. ઉલ્લેખનીય છેકે, એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારથી નારાજ ચાલી રહ્યાં હોવાની વાત સામે આવી છે. એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે. ઝી 24 કલાકને મળેલી એક્સકલુસિવ માહિતી મુજબ એકનાથ શિંદે સોમવાર સાંજથી સંપર્ક વિહોણા બન્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છેકે, તેઓ હાલ ગુજરાતમાં છે. એકનાથ શિંદે સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં હોવાની વાત પણ ચર્ચામાં છે. એટલું જ નહીં રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી પણ છેકે, એકનાથ શિંદેએ સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં પોતાના અન્ય ધારાસભ્યો સાથે એક મહત્ત્વની મિટિંગ પણ કરી છે. હવે આ મિટિંગ બાદ શિવસેનાનું આ મસમોટું જહાજ કઈ દિશામાં જાય છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.