Surat : પાંડેસરમાં અકસ્માતો સર્જીને ભાગેલો ડમ્પરચાલક પકડાયો
- ઉધના તરફથી પુરઝડપે હંકારીને આવતા ડમ્પર ચાલકે બે રીક્ષાને અડફટે લીધી હતી. જેથી એક રીક્ષા પલટી હતી. આ દરમિયાન લીનાબેનને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ તેમનુ મોત થયુ હતુ
ચેતન પટેલ/સુરત :સુરતના ભેસ્તાન ત્રણ રસ્તા પાસે ગઈકાલે વહેલી સવારે પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરચાલકે બે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરજ બજાવતા મહિલા પોલીસ અને પોલીસ જવાનને ઈજાઓ થઇ હતી. ગંભીર ઇજા પામેલા એક મહિલા પોલીસકર્મીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક પોલીસ જવાન અને રીક્ષાના બે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં પાંડેસરા પોલીસે ડમ્પરના ફરાર આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે.
મહિલા લોકરક્ષક લીનાબેન બચુભાઈ ખરાડી, પોલીસ કોન્સ્ટેબલ જયશ્રીબેન ભાયલુભાઇ તથા ગોવિંદભાઇ ભવાનભાઇ અને હોમગાર્ડ આબિદ, નિલેશ, સમાધાન, બ્રિજેશ ગત રાત્રે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગની કામગીરીમાં વ્યસ્ત હતા. વહેલી સવારે ઉધના તરફથી પુરઝડપે હંકારીને આવતા ડમ્પર ચાલકે બે રીક્ષાને અડફટે લીધી હતી. જેથી એક રીક્ષા પલટી હતી. આ દરમિયાન લીનાબેનને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ તેમનુ મોત થયુ હતુ.
આ પણ વાંચો : Vadodara : સ્વીટીબેન ગુમ થવામાં પીઆઈ પતિની શંકાસ્પદ ભૂમિકા, અજય ભરૂચ કેમ ગયો હતો?
બીજી રીક્ષાની ટક્કર ગોવિંદભાઇને લાગતા તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. ડમ્પરને ઉભુ રાખવા માટે તેની પાછળ હોમગાર્ડ અને રીક્ષા ચાલકો દોડ્યા પણ હતા. પણ ડમ્પરના ચાલકે એક રીક્ષાને અંદાજીત અડધો કિલોમીટર સુધી ઘસડી હતી અને બાદમાં તે ડમ્પર મૂકીને ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત પોલીસ જવાન ગોવિંદ તથા રીક્ષાના મુસાફર જીસાન અને અશરફને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે જાણ થતા પાંડેસરા પોલીસ મથકના પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કાર્યવાહી કરીને લીનાબેનના મૃતદેહને નવી સિવિલમાં ખસેડાયો હતો. નવી સિવિલના પીએમ રૂમની બહાર પોલીસ કર્મીઓએ લીનાબેનને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ. પાંડેસરા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.