અમદાવાદ : ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું છે. સુરતમાં પાસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સુરત કલેક્ટર કચેરીએ મોટા પ્રમાણમાં પાસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. પાસ દ્વારા સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝડપથી યથા સ્થિતી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ હટાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. જેનો પાસ પહેલાથી જ વિરોધ કરી રહ્યું છે. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, દેશની ધરોહર સમાન દેશના મહાપુરૂષોનાં નામની સાથે અનેક દેશના ઇતિહાસ જોડાયેલા છે. ગુજરાત સરકાર ઇતિહાસ સાથે ચેડા કરી રહી છે. જેમાં કેન્દ્ર સરકારનો પણ સાથ મળી રહ્યો છે. જે પ્રકારે સ્ટેડિયમનું નામ બદલાયું છે તે રાષ્ટ્રપુરૂષનું અપમાન છે. આ દેશના ઇતિહાસનું અને દેશની સંસ્કૃતિનું અપમાન છે. 


ધાર્મિક માલવિયાના અનુસાર આવેદન આપી અમે આ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ રાખવા માટેની માંગ કરી છે. આ ઉપરાંત જો સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ કરવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન કોઇ પણ સ્થિતી સર્જાય તો તેના માટે માત્ર અને માત્ર ગુજરાત સરકાર જ જવાબદાર રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube