સુરતમાં ગજબનો કિસ્સો! બાઈક ચોરી થતાં માલિકે FBમાં કરી એવી પોસ્ટ કે ચોરનું થયું હૃદય પરિવર્તન
બાઇક ચોરાઇ ગયા બાદ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું કે શ્રીમાન સજ્જન ચોર, તમે મારી બાઇક લઇ ગયા છો, પરંતુ ચાવી અને આરસી બુક વિના જો તમને બાઇક ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે, તો તેની ચાવી અને આરસી બુક બાઇક પાર્કિંગમાં આવેલા જનરેટર પર રાખવામાં આવી છે.. તમે મારી ચિંતા ના કરતા, હું સાયકલથી કામ ચલાવી લઈશ.
ઝી બ્યુરો/સુરત: ગુજરાતમાં ચોરીની તો ઘણી ઘટનાઓ તમે સાંભળી હશે અને જોઈ હશે, પરંતુ સુરતમાંથી ચોરીની એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. વાસ્તવમાં, એક વ્યક્તિએ તેની બાઈક ચોરાઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. જ્યારે ચોરે આ પોસ્ટ વાંચી ત્યારે તેણે તે વ્યક્તિને બાઇક પરત મૂકી જવી પડી હતી.
સુરતમાં બની વિચિત્ર ઘટના
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના એક વિસ્તારમાં બાઇક ચોરાઇ ગયા બાદ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક ઈમશોનલ પોસ્ટમાં લખ્યું કે શ્રીમાન સજ્જન ચોર, તમે મારી બાઇક લઇ ગયા છો, પરંતુ ચાવી અને આરસી બુક વિના બાઇક ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે, તો તેની ચાવી અને આરસી બુક બાઇક પાર્કિંગમાં આવેલા જનરેટર પર હશે. તે ખૂણામાં રાખવામાં આવે છે, જે તમે લઈ શકો છો. મારી ચિંતા કરશો નહીં, હું સાયકલથી કામ ચલાવી લઈશ. જ્યારે સોશિયલ મીડિયા પર બાઇક માલિકની પોસ્ટ ચોર સુધી પહોંચી તો 2 દિવસમાં જ ચોર ચોરીની બાઇકને તે જ જગ્યાએ પાર્ક કરીને ફરાર થઇ ગયો હતો. બાઇક ચોરનાર ઈમાનદાર ચોરની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
ચોર બાઈક ચોરીને કરીને ભાગી ગયો
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મિડિલ પોઈન્ટ નામની બિલ્ડિંગમાં પરેશભાઈ પટેલ વુડન આર્ટ હેઠળ બનાવેલ સામાનનો વેપાર કરે છે. પરેશભાઈ પટેલ 9મી ડિસેમ્બરે સવારે ઓફિસે પહોંચ્યા હતા અને બિલ્ડીંગના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું. સાંજે જ્યારે તે ઘરે જવા નીકળ્યા ત્યારે તેમણે જોયું કે તેમની બાઇક પાર્કિંગમાં ન હતી. પછી પરેશ પટેલે પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. જેમાં ફૂટેજમાં એક વ્યક્તિ બાઇક ચોરી કરતો જોવા મળ્યો હતો. આ ફૂટેજ પરેશ ભાઈ પટેલે પોતાના મોબાઈલમાં લઈ ફેસબુક પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. પરેશભાઈએ ચોરને સજ્જન કહીને સંબોધીને બાઇકની ચાવી અને આરસી લઈ જવાની વાત લખી હતી. જોકે, બાઇક ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.
હદયપરિવર્તન થતાં બાઈક પાછો મૂકી ગયો
પરેશ ભાઈ પટેલે ફેસબુક પર કરેલી પોસ્ટ બાઇક ચોરનાર ચોર સુધી પહોંચી હતી અને 11 ડિસેમ્બરે ચોરે તે જ પાર્કિંગમાં બાઇક પાર્ક કરી હતી, જ્યાંથી તેમણે ચોરીને અંજામ આપ્યો હતો. ચોરાયેલી બાઇક પરત મળ્યા બાદ બાઇકના માલિક પરેશ પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે. તેમને હવે ચોર સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવાની જરૂર નથી. જે સમયે બાઇકની ચોરી થઇ હતી તે સમયે તેમણે વિચાર્યું પણ નહોતું કે તેમની બાઇક પરત મળી જશે. આ જ કારણ હતું કે તેમણે ચોર બાઇકની આરસી બુક અને ચાવી લઇ જવા માટે પોસ્ટ કરી હતી.