સિનિયર સિટીજન આનંદો! કેબિનેટ મંત્રી કરાવશે સોમનાથ સહિત 4 ધાર્મિક સ્થળોની યાત્રા
શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત સિનિયર સિટીઝન માટે સોમનાથ સહિત 4 ધાર્મિક સ્થળોની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 ઓગસ્ટ એટલે કે સોમવારે 75 બસોમાં સિનિયર સિટીઝન્સને ચાર ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવશે.
તેજશ મોદી/સુરત: રાજ્યભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઠેર ઠેર વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતમાં કેબિનેટ મંત્રી સિનિયર સિનિયર સિટીઝન્સ માટે મહત્વની જાહેરાત કરી છે. શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત સિનિયર સિટીઝન માટે સોમનાથ સહિત 4 ધાર્મિક સ્થળોની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 ઓગસ્ટ એટલે કે સોમવારે 75 બસોમાં સિનિયર સિટીઝન્સને ચાર ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. યાત્રા માટે અત્યાર સુધી 4000થી વધુ નોંધણી થઈ ચૂકી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આઝાદીના અમૃત મહોત્સવ અને ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના નિમિત્તે પવિત્ર શ્રાવણ મહિનાના સોમવાર (15 ઓગસ્ટ)ના રોજ ભગવાન સોમનાથ દાદાના દર્શને સુરતથી સોમનાથ 75 બસ જશે. જેમાં 4000થી વધુ સિનિયર સિટીઝન માટે 167- સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પ્રવાસનું આયોજન કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના આહવાન સાથે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાનથી પ્રત્યેક નાગરિકો પોતાના ઘર ઉપર ભારતની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યા છે. 15મી ઓગસ્ટે સોમનાથ યાત્રાએ જનાર 4000 સિનિયર સીટીઝનોના પરિવાર સહિત 167 સુરત- પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં 50,000 થી વધુ રાષ્ટ્રધ્વજ તિરંગા અને લાકડીનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજનામાં નવા ફેરફારો સાથે રાજ્યના વધુમાં વધુ સિનિયર સીટીઝનો લાભ લઇ રહ્યા છે. શ્રવણે પોતાના માતા-પિતાને જે ભાવે તીર્થ સ્થાનોની યાત્રા કરાવવામાં આવે છે, એવા ભાવ સાથે ગુજરાત સરકારે આ યોજનાનું નામ શ્રવણ તીર્થ દર્શન યોજના રાખવામાં આવ્યું છે.
રાજ્યનાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સરકારે હાલ શ્રવણ તીર્થ દર્શન યોજનામાં હાલ સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે, પહેલા 50 ટકા રાહત સરકાર આપતી હતી, જે વધારી 75 ટકા કરવામાં આવી છે, ત્યારે 167- સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં રહેતા વડીલો, સિનિયર સીટીઝનોને ધાર્મિક યાત્રાનો લાભ મળી રહે તેના માટે પવિત્ર શ્રાવણ મહિનામાં પવિત્ર સોમવારે 15મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વ દિને સુરતથી સોમનાથ ભગવાન સોમનાથ મહાદેવ દાદાના દર્શન માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ યાત્રામાં 75 સ્લીપીંગ કોચ બસમાં 4000 થી વધુ સિનિયર સીટીઝનો લાભ લેશે. આ યાત્રા દરમિયાન ચોટીલા શ્રી ચામુંડા માતા મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ગોંડલ, શ્રી ખોડલધામ, સોમનાથ મહાદેવ મંદિર, ભાલકા તીર્થ, શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ અને નિલકંઠ મહાદેવ મંદિર, નર્મદા નદીના તટે, ભરૂચ દર્શનાર્થે જશે. આ ત્રિ-દિવસીય યાત્રામાં રોકાણ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube