ચેતન પટેલ/સુરત: શહેરમાં હવે જાહેરમાં કચરો ફેંકશો તો ભારે દંડ ચૂકવવા તૈયાર રહેવું પડશે. જી હા... તમે સાચું સાંભળી રહ્યા છો. શહેરમાં કચરો ફેંકનાર પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. આ વાત પરથી તમે કહેશો આવું તો વિદેશમાં જ શક્ય બને પરંતુ હવે આ હકીકતમાં બનવા જઈ રહ્યું છે. બીજી બાજુ સુરત પોલીસ કમિશનરે આજે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત શહેરમાં હવે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કચરો ફેંકશો તો ચૂકવવો પડશે ભારે દંડ
સુરત શહેરમાં હવે કચરો ફેંકનારને કેમેરામાં ઝડપી ભારે ભરખમ દંડ ફટકારવામાં આવશે. પાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં 2500 કેમેરાથી નજર રાખવામાં આવશે. શહેરને ઉકરડો બનાવનારા લોકો પર તંત્રની ગાજ વરસી છે. સ્લમ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે નવો રોડ મેપ તૈયાર કરાયો છે. 


સ્લમ સહિતના વિસ્તારોમાં સફાઇમાં બેદરકારી પણ થતી હોઇ પાલિકા કમિશનરે તમામ ઝોનલ ઓફિસરો, એક્ઝિક્યુટીવને પણ આવા સ્થાનો પર દોડતાં કરી દીધાં છે. મહત્ત્વની બાબત એ છે કે શહેરને ગંદુ કરનારા સામે પાલિકાએ લાલ આંખ કરી છે અને દંડનિય કાર્યવાહી તેજ બનાવી છે. છેલ્લા બે જ દિવસમાં કુલ 2954ને ઝડપી પાડી રૂપિયા 2.94 લાખ દંડ વસૂલાયો છે. શહેરને ગંદુ કરનારા સામે 50થી 5 હજાર સુધીનો દંડ વસૂલાઇ રહ્યો છે. 


સી એન્ડ ડી વેસ્ટ માટે 5 હજાર દંડ લેવામાં આવે છે. તમામ ઝોનમાં એન્ફોર્સમેન્ટ માટે સ્ક્વોડ બનાવાઇ છે તેમજ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતેના 2500 કેમેરા થી કચરો ફેંકનારાઓના વીડિયો, ફોટોને ઝોનમાં મોકલી કચરું ફેંકનારાને શોધી દંડ વસૂલવાની કડક શરૂઆત કરાઈ છે. કેમેરા ની પણ મદદ લેવાઇ રહી હોય કચરું ફેંકનારા વધુ પડકાશે.


પોલીસ કમિશનરનું જાહેરનામું
સુરત પોલીસ કમિશનરે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત શહેરમાં હવે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ છે. પશુઓને ઘાસચારો નાખવા અને રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. તારીખ 17 -12-2022 થી 14 -2-2023 સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે મોટી કાર્યવાહી કરાશે.